ગાંધીનગર : ચૂંટણી કાર્યાલય માટે ભાજપે આરક્ષિત વન વિસ્તારમાં ગેરકાયદેસર રસ્તો બનાવી દેતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં અત્યાર સુધી તોડ જોડ નીતિ અપનાવીને કોર્પોરેશનમાં રાજ કરનાર ભાજપ દ્વારા પોતાના ચૂંટણી કાર્યાલય માટે સેક્ટર-2માં આવેલા આરક્ષિત વનવિભાગની ફેન્સીંગ કરેલી જમીનમાંથી ગેરકાયદેસર રીતે રસ્તો બનાવી દેતા સ્થાનિક વેપારીઓ સહિત નાના ગલ્લા વાળાઓમાં રોષ વ્યાપી જવા પામ્યો છે.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના ઇતિહાસમાં ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધીમાં કારમી હાર બાદ તોડ-જોડ નીતિ અપનાવીને કોર્પોરેશનમાં સત્તા હાંસલ કરવામાં આવી છે. ભૂતકાળમાં કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના મહેન્દ્રસિંહ રાણા તેમજ પ્રવિણ પટેલને મેયર બનાવવાની લાલચ આપીને ભાજપે કોર્પોરેશનમાં સત્તા મેળવી હતી. ત્યારે સત્તાના નશામાં આવી ગયેલી ભાજપના મહિલા મેયર રીટા પટેલ તેમજ તેમના પતિ કેતન પટેલ દ્વારા નિયમો નેવે મૂકીને સ્માર્ટ સીટી અંતર્ગત અનેક કૌભાંડો આચર્યા હોવાના આક્ષેપો કોંગ્રેસના કોર્પોરેટર પિંકી બેન પટેલ દ્વારા કરવામાં આવ્યા હતા.
તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો કર્યા બાદ પંચાયતો પોતાના હસ્તક કરી લેનાર ભાજપ સત્તાના મદમાં રાચવા માંડ્યું છે. ત્યારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની 18મી એપ્રિલે યોજાનાર ચૂંટણી સંદર્ભે ભાજપ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ દ્વારા ગાંધીનગરના 11 વોર્ડમાં ચૂંટણી કાર્યાલય ખોલી દેવામાં આવ્યા છે. નીતિ નિયમોને અનુસરનાર ભાજપ પક્ષના સેક્ટર-2માં ખોલવામાં આવેલા ચૂંટણી કાર્યાલયનો રસ્તો બનાવી નીતિ-નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે.
ગાંધીનગરના સેક્ટર-2 શોપિંગ વિસ્તારમાં વેપારીઓ તેમજ નાના ગલ્લા વાળાઓ ભાજપની બેવડી નીતિના કારણે ત્રાહિમામ પોકારી ઉઠયા છે. થોડા વખત અગાઉ આ વિસ્તારમાં ભાજપના એક નેતાએ અવારનવાર દબાણ શાખાને મોકલીને નાના ગલ્લાવાળાઓને દંડ ફટકારવામાં કોઈ કસર બાકી રાખી ન હતી તેમજ કોરોના કાળમાં ધંધા રોજગાર થઈ ગયા હોવા છતાં નાના ધંધાદારીઓ ને આરક્ષિત વનવિભાગની જમીનમાંથી ખદેડી દેવામાં પણ આવ્યા હતા તેમજ આ જગ્યાએ ભાજપના દબાણથી વનવિભાગે ફેન્સીંગ કરીને પોતાની જમીન આરક્ષિત કરી દીધી હતી ત્યારે કોર્પોરેશનની ચૂંટણીમાં આવતા જ ભાજપે પોતાના ચૂંટણી કાર્યાલય માટે નીતિનિયમો નેવે મુકી દેવામાં આવ્યા છે ભાજપ પક્ષ દ્વારા વોર્ડ નંબર નવમાં અલ્પા પટેલ, શૈલાબેન ત્રિવેદી, રાજુભાઈ પટેલ તેમજ સંકેત પંચાસરાને ટિકિટ આપવામાં આવી છે.
ત્યારે સેક્ટર-2 શોપિંગ સેન્ટરમાં આવેલ કોમ્પલેક્ષમાં ભાજપ દ્વારા ચૂંટણી કાર્યાલય ખોલવામાં આવ્યું છે, પરંતુ આવન-જાવન કરવા માટે કાર્યકરોને તકલીફ ન પડે તે માટે ભાજપ દ્વારા વનવિભાગ દ્વારા ફેન્સીંગ વડે આરક્ષિત કરેલી જમીનમાંથી જ કાર્યાલયનો રસ્તો બનાવી દેવામાં આવ્યો છે.જે આરક્ષિત જમીનમાં દબાણના નામે નાના ધંધાદારીઓને હેરાન કરવામાં આવતા હતા, એજ જમીનની ફેન્સીંગ તોડીને ભાજપના કાર્યકરોને બેસવા માટેની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. જેથી ભાજપની બેવડી નીતિના કારણે વેપારીઓ તેમજ નાના ગલ્લા વાળાઓમાં રોષ વ્યાપી જવા પામ્યો છે.