રાજ્યમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ વધારો, જિલ્લાઓમાં પણ એક્શન પ્લાન બનાવો: કેન્દ્રએ રાજ્યોને આપી સૂચના
ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે, એવામાં કેન્દ્ર સરકારે આવાં રાજ્યોને સઘન રીતે કોન્ટેક ટ્રેસિંગ કરવાના આદેશો કર્યા છે, જેમાં દરેક કોરોનાના કેસ પર ઓછામાં ઓછા 30 લોકોનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવું જોઈએ. આ સિવાય કોરોનાની બીજી લહેરને રોકવા જિલ્લા કેન્દ્ર દ્વારા રણનીતિ તૈયાર કરવા પર કેન્દ્રએ ભાર મૂક્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે કોરોનાની બીજી લહેરને રોકવા માટે કહ્યું છે કે પ્રત્યેક જિલ્લામાં ક્યાં કેસ વધી રહ્યા છે, કેટલા વધી રહ્યા છે એ માટેનો એક્શન પ્લાન તૈયાર કરી એ અનુસાર કામ કરવું જોઈએ. ખાસ કરીને જ્યાં વધારે કેસ નોંધાય છે ત્યાં મોટા કન્ટેન્મેન્ટ ઝોન બનાવવા જોઇએ અને સાથે જ કોન્ટેક્ટ ટ્રેસિંગની પ્રક્રિયા પણ સઘન બનાવવી જોઈએ.
રાજ્યોને એ વિસ્તાર અને હોસ્પિટલની પણ ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવવી જોઈએ, જ્યાં કોરોનાના દર્દીનાં મોત વધુ પ્રમાણમાં થાય છે એ જિલ્લા કે શહેરોમાં પ્રશાસનિક ખામીઓને દૂર કરવા માટે તરત જ પગલાં ભરવાના આદેશ કરવામાં આવ્યાં છે.
ગુજરાતમાં છેલ્લા એક વર્ષથી કોરોના અપડાઉન થતો રહ્યો છે. અધિકારીઓ કોરોના સંક્રમણ ખાળવા ગત વર્ષે રાત-દિવસ મહેનત કરતા હતા. ગત વર્ષે કોરોના કાબૂમાં લેવા માટે આરોગ્ય સેતુ એપ ઉપરાંત પોઝિટિવ દર્દી કોના કોન્ટેકટમાં આવ્યો છે તેના મોબાઈલ લોકેશન પરથી કોન્ટેકટ ટ્રેસિંગની કામગીરી કરવામાં આવતી હતી અને પોઝિટિવ વ્યક્તિ જેટલાના સંપર્કમાં આવી હતી એ તમામના ટેસ્ટિંગ કરવામાં આવતા હતા. આ વખતે આ કામગીરી કરવામાં આવતી નથી.