દેશમાં કોરોના નો કહેર વધતા કેન્દ્ર સરકાર એલર્ટ, PM MODI એ યોજી ઉચ્ચસ્તરીય બેઠક
નવી દિલ્હી :
દેશમાં Corona મહામારીની બીજી લહેર સક્રિય થઇ છે અને દિવસેને દિવસે કોરોનાના કેસો અને કોરોનાથી થતા મૃત્યુમાં પણ વધારો થઇ રહ્યો છે. દેશમાં Corona ના વધતા જતા સંક્રમણ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ થઇ છે. ફરી એક વાર વડાપ્રધાન મોદી (PM MODI)એ કોરોના વિરૂદ્ધ લડાઈમાં મોરચો સંભાળ્યો છે.
PM મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં દેશમાં Corona ની વર્તમાન સ્થિતિ અને દેશભરમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનની સમીક્ષા કરી હતી. સૂત્રો દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. આ બેઠકમાં કેબિનેટ સચિવ, વડાપ્રધાનના મુખ્ય સચિવ, કેન્દ્રીય આરોગ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
PM MODI ફરી મુખ્યપ્રધાનો સાથે કરશે બેઠક?
દેશમાં કોરોનાની સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થતી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મહારાષ્ટ્ર અને પંજાબ સહીત દેશમાં 10 જેટલા રાજ્યોમાં સ્થિતિ કથળી હોવાનું જણાવ્યું છે. અગાઉ કોરોનાની પ્રથમ લહેરમાં વડાપ્રધાન મોદીએ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે બેઠક કરી હતી અને તેમના પ્રતિભાવો જાણ્યા હતા તેમજ જરૂરી સૂચનો કર્યા હતા. આજે યોજાયેલી બેઠક બાદ વડાપ્રધાન મોદી ફરી એક વાર સૌથી વધુ પ્રભાવવાળા મુખ્યપ્રધાનો સાથે બેઠક યોજે તેવી સંભવાનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે આ અંગે હજી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.દેશમાં કોરોનાના વધતા જતા સંક્રમણ સામે કેન્દ્ર સરકાર હવે રસીકરણ અભિયાનને ગતિ આપશે એવું લાગી રહ્યું છે.
દેશમાં કોરોનાના નવા 93,249 નવા કેસ
રવિવારે ભારતમાં કોરોના વાયરસના 93,249 નવા કેસ નોંધાયા છે, જે આ વર્ષે એક જ દિવસમાં કોવિડ -19 કેસની સૌથી વધુ સંખ્યા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 1,24,85,509 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સવારે આઠ વાગ્યા સુધી જાહેર કરેલા આંકડા મુજબ 19 સપ્ટેમ્બરથી એક દિવસમાં કોરોના વાયરસના આ સૌથી વધુ નોંધાયેલા કેસો છે. ગત વર્ષે 19 સપ્ટેમ્બરના રોજ દેશમાં કોરોનાના 93,337 કેસ નોંધાયા હતા. રવિવારે કોરોના મહામારીને કારણે વધુ 513 લોકોનાં મોતને કારણે મૃત્યુઆંક વધીને 1,64,623 પર પહોંચી ગયો છે.
મહારાષ્ટ્ર અને પંજાબે અગાઉના રેકોર્ડ તોડ્યા હતા
દેશના મહારાષ્ટ્ર (Marashtra) અને પંજાબ (Punjab) એવા બે રાજ્યો છે જ્યાં છેલ્લા બે અઠવાડિયાથી કોરોના વાયરસના સૌથી વધુ દૈનિક કેસ નોંધાયા છે. વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા દ્વારા આ માહિતી આપવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથેની કેબિનેટ સચિવની બેઠકમાં રજૂ કરેલા દસ્તાવેજોમાં જણાવાયું છે કે આ બંને રાજ્યોનો સમાવેશ પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કરવામાં આવ્યો છે, જ્યાં દૈનિક બાબતો તેમના તમામ જૂના રેકોર્ડ્સ તોડી રહી છે. આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચંડીગઢ, છત્તીસગઅને ગુજરાતનો પણ સમાવેશ થાય છે.