પાટનગરમાં કોરોના કેસ વધતાં રાજકીય પક્ષોએ જાહેર સભાઓનાં બદલે ડોર ટુ ડોર પ્રચાર વધાર્યો,
ગાંધીનગર :
કોરોનાના વધતા કેસો વચ્ચે યોજાઈ રહેલી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને આડે હવે 13 દિવસ જ બાકી રહ્યાં છે. ભાજપ દ્વારા શક્ય હોય ત્યાં સુધી મોટી જાહેર સભા નહીં કરવાનો નિર્ણય લીધો છે. તો કોંગ્રેસમાં હજુ સુધી આવી કોઈ હલચલ જોવા મળી હતી. ત્યારે હાલ તો ભાજપ-કોંગ્રેસ અને આપ તમામ પક્ષો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર પર વધુ ભાર મુકાયો છે. જેને લઈને ત્રણેય પક્ષો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર પુરજોશમાં શરૂ કરી દીધો છે.
ત્રણેય પક્ષો દ્વારા કોઈ મતદારોનો સંપર્ક રહી ન જાય તેની તકેદારી રાખી રહ્યાં છે. ભાજપમાં ટિકિટ કપાયેલા નેતાઓને પણ પોતાના વિસ્તારના ઉમેદવારોને જીતાડવા માટે જવાબદારીઓ આપી દેવાઈ છે. જેને પગલે ભાજપના હાલના ઉમેદવારો પાસે વિસ્તારના જુના નેતાઓ અને કોર્પોરેટર્સ નજરે પડતા હોય છે. તો કોંગ્રેસમાં હાલ મોટાભાગના ઉમેદવારો પોતાની પેનલો સાથે પ્રચારમાં વ્યસ્ત દેખાઈ રહ્યાં છે. કોરોનાના વધતા કેસો વચ્ચે પ્રચાર કરવો પક્ષો માટે હાલ મુશ્કેલ બની ગયો છે. જોકે સોશિયલ ડિસ્ટન્સનું પાલન થઈ શકતું ન હોવાથી પક્ષો દ્વારા મોટી જાહેરસભાઓ શક્ય હોય ત્યાં સુધી ટાળવાશે. ભાજપ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર, સોસાયટીઓમાં ગ્રૂપ મિટિંગો, સોશિયલ મિડિયામાં પ્રચાર પર વધુ ભાર મુકાયો છે.
ભાજપ IT સેલ સક્રિય તો કોંગ્રેસના ઉમેદવારો જાતે પ્રચાર કરી રહ્યાં છે
ભાજપ પાસે આઈટી સેલની આખી ફૌજ છે જેના દ્વારા સોશિયલ મિડિયામાં ઉમેદવારોના પ્રચાર-પ્રસાર કરાઈ રહ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારો દ્વારા પોતાની રીતે સોશિયલ મિડિયામાં પોતાના પ્રચાર-પ્રસાર કરાઈ રહ્યો છે. આ બધા વચ્ચે આપ દ્વારા વિસ્તારોની સમસ્યાઓ મુદ્દે કામગીરી કરીને પોતાનો પ્રચાર કરાઈ રહ્યો છે. કોંગ્રેસના ઉમેદવારો જાતે પ્રાચર કરી રહ્યાં છે.
વિવિધ વોર્ડમાં રાત્રી બેઠકોનો દોર શરૂ કરાયો
દરેક વોર્ડમાં મોટાભાગના રાજકીય પક્ષોના મંડપો બંધાઈ ગયા છે, જ્યાં આખો દિવસ કોઈ ખાસ ચહલપહલ જોવા મળતી નથી. પરંતુ ડોર ટુ ડોર પ્રચાર, મિટિંગો પત્યા પછી રાત્રી બેઠકો જામે છે. જ્યાં કાર્યકરો કામગીરી અંગે ચર્ચાઓ કરતાં હોય છે તો સ્થાનિક ચા-નાસ્તાની જ્યાફત ઉડાવતા હોય છે. ચૂંટણીના બવે માત્ર 13 દિવસ બાકી રહ્યાં છે. ત્યારે ઉમેદવારો દ્વારા પ્રચાર માટે કોઈ કસર છોડી રહ્યાં નથી.