અક્ષય કુમાર હોસ્પિટલમાં દાખલ, ફિલ્મ ‘રામ સેતુ’ના સેટ પર 45 જુનિયર આર્ટિસ્ટ્સ કોરોના પોઝિટિવ, ફિલ્મનું શૂટિંગ પોસ્ટપોન થયું
4 એપ્રિલે બોલિવૂડ એક્ટર અક્ષય કુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે હાલ મુંબઈની હીરાનંદાની હોસ્પિટલમાં એડમિટ થયો છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેણે ચાહકોને તેની ચિંતા કરવા બદલ અને પ્રાર્થના માટે આભાર માન્યો છે.
અક્ષય કુમાર મુંબઈમાં ફિલ્મ ‘રામ સેતુ’ના શૂટિંગમાં વ્યસ્ત હતો. રામ સેતુના સેટ પર અન્ય 45 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. આ જાણકારી ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝના જનરલ સેક્રેટરી અશોક દુબેએ આપી છે. અક્ષયે ચાર દિવસ પહેલાં જ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનું મુહૂર્ત અયોધ્યામાં કરવામાં આવ્યું હતું.
ફિલ્મ ‘રામ સેતુ’ના સેટ પર આટલાબધા કેસ આવતાં અશોક દુબેએ જણાવ્યું હતું કે ‘શૂટિંગ દરમિયાન દરેક સાવધાની રાખવામાં આવી હતી, એમ છતાં 45 જુનિયર આર્ટિસ્ટ્સ કોરોના પોઝિટિવ આવ્યા છે, હાલ તે બધા ક્વોરન્ટીન છે.’
ફિલ્મનું શૂટિંગ પોસ્ટપોન થયું
અક્ષય સહિત અન્ય 45 લોકો કોરોના પોઝિટિવ આવતાં ફિલ્મનું શૂટિંગ હાલ બંધ કરી દીધું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હવે શૂટિંગ 13થી 14 દિવસ પછી જ શરૂ થશે.