ખેડૂતલક્ષી પાંચ માંગણી પૂરી ન થાય તો ઉગ્ર આંદોલન: ‘આપ’
ગાંધીનગરઃ
નળકાંઠાના 9 ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે તેમજ તેમના પર થયેલા અત્યાચારને લઈને પાંચ મુદ્દાઓની માંગ સાથે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા ગોપાલ રાય આગામી ત્રણ દિવસ સુધી આ નવ ગામની મુલાકાત લેશે. પાર્ટીના મીડિયા સંયોજક હર્ષિલ નાયકના જણાવ્યા અનુસાર 20થી 22 માર્ચ દરમિયાન ગોપાલ રાય ખેડૂતોને મળીને સંવાદ કરશે અને તેમની પાંચ માંગણીઓનું નિરાકરણ ન આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની રણનીતિ પણ તૈયાર કરશે.
ગત 14 ફેબ્રુઆરીએ સાણંદના નળકાંઠા વિસ્તારના ખેડૂતો દ્વારા સિંચાઈના પાણીની માંગ સાથે રેલીનું આયોજન કરાયું હતું. જેમાં પોલીસ સાથે સંઘર્ષ થતાં ખેડૂતો અને પોલીસકર્મીઓને ઈજા પહોંચી હતી. અસંખ્ય ખેડૂતો પર ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.