દેશમાં રેકોર્ડ બ્રેક 1.31 લાખ નવા કોરોના કેસ નોંધાયા, 800થી વધુ મોત
કોરોના મહામારીનું વિકરાળ સ્વરૂપ દેશને વધુને વધુ ભરડામાં લઈ રહ્યું છે અને દરરોજ કેસની સંખ્યા વધી રહી છે. કોરોના કેસના આંકડાએ છેલ્લા 24 કલાકમાં ફરી એક વખત રેકોર્ડ તોડ્યો છે. રાજ્ય સરકારો દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કુલ 1.31 લાખ નવા કેસ નોંધવામાં આવ્યા છે. તે કોરોના મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.
છેલ્લા 24 કલાકમાં 1.31 લાખ નવા કેસ નોંધાયા છે અને 800થી વધારે લોકોના મોત થયા છે. જ્યારે 60,000થી વધારે લોકો સાજા થઈ ગયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 10 લાખ તરફ આગળ વધી રહી છે અને હાલ તે આંકડો 9.74 લાખ જેટલો છે.
ચાલુ સપ્તાહ દરમિયાન સોમવારથી અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના 5 લાખથી વધારે કેસ સામે આવ્યા છે. ત્યારે દિલ્હી અને મહારાષ્ટ્ર ઉપરાંત હવે ઉત્તર પ્રદેશની સ્થિતિ પણ બેકાબૂ બની રહી છે. ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં કોરોનાના 8,000થી વધારે કેસ નોંધાયા હતા જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.