શિક્ષકોને કોરોનાની તમામ કામગીરી સોંપવામાં આવી છે,
સુરત કોર્પોરેશન પોતાના કર્મચારીઓને જવાબદારી સોંપવામાં હદ વટાવી છે. શિક્ષકોને અત્યારસુધીમાં કોરોનાની તમામ કામગીરી સોંપવામાં આવી છે, પરંતુ એકમાત્ર સ્મશાનગૃહમાં જવા માટેની કામગીરી બાકી હતી તો એ પણ સોંપવામાં આવી છે. અંતિમક્રિયા માટે આવતા મૃતદેહોની નોંધણી કરવાની કામગીરી શિક્ષકોને અપાતાં કચવાટની લાગણી જોવા મળી રહી છે. 8-8 કલાકની ત્રણ શિફ્ટમાં SMC(સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન)ના કર્મચારીઓ સાથે શિક્ષકોએ પણ ફરજ બજાવવાની રહેશે. સ્મશાનગૃહમાં આવતા મૃતદેહોની અંતિમક્રિયામાં નોંધણીમાં અવ્યવસ્થા ન સર્જાય એ માટે શિક્ષકો જવાબદારી આપી દેવામાં આવી છે.
શિક્ષકો અવઢવમાં મુકાયા
કોરોનાકાળ દરમિયાન કોર્પોરેશનના તમામ કર્મચારીઓને અલગ-અલગ કામગીરી સોંપવામાં આવી હતી, જેમાં શિક્ષકોને કોરોના સંક્રમિત દર્દીઓના ઘરની બહાર રાખવામાં આવતા હતા. ધનવંરી રથ સાથે જવાનું, સર્વેની કામગીરી, અનાજ વિતરણની અનેક કામગીરી કરવાના આદેશ થયા હતા, જે ફરજના ભાગરૂપે શિક્ષકોએ નિભાવી હતી અને શહેર પર આવી પડેલી મુશ્કેલીમાં પોતાની રીતે ફરજ અદા કરવા માટે તત્પરતા દાખવી હતી. ત્યારે સ્મશાનની કામગીરી સોંપાતાં શિક્ષકો અવઢવમાં મુકાયા છે.
સંઘ દ્વારા રજૂઆત
કોર્પોરેશનના શિક્ષકે પોતાનું નામ જાહેર ન કરવાની શરતે કહ્યું હતું કે સ્મશાનમાં મૃતદેહની નોંધણી કરવાની કામગીરી શિક્ષકો માટે યોગ્ય નથી. અમે અમારા શિક્ષક સંઘમાં ગઈકાલે રાત્રે જ આ બાબતે રજૂઆત કરી છે. અમને આ કામગીરી અંગે સોશિયલ મીડિયા થકી જ મેસેજ આપવામાં આવ્યા હતા. સંઘના અમારા હોદ્દેદારોને આ ઓર્ડર રદ કરવા માટે જાણ કરી છે. સંઘના હોદ્દેદારોએ આ કામગીરી શિક્ષકોને સોંપવા બદલ મ્યુનિસિપલ કમિશનર અને રાજ્ય સરકારને જાણ કરવાની બાંયધરી પણ આપી છે.
શિક્ષકો દ્વિધામાં
કોરોના સંક્રમણ વખતથી અનેક જવાબદારીઓ નિભાવી ચૂકેલા શિક્ષકો કહી રહ્યા છે કે અમારો શું વાંક છે. અમે પાલિકામાં નોકરી કરીએ છીએ. અમે બાળકોને ભણાવવાની સાથે સાથે અનેક જવાબદારીઓ નિભાવી રહ્યા છીએ ત્યારે હવે અમને સ્મશાનમાં બેસાડવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે તે યોગ્ય નથી. સરકારે આ અંગે વિચારવું જોઈએ. અમારે બાળકોને ઓનલાઈન પણ અભ્યાસ કરાવવાનો હોય છે.
સ્મશાનમાં સતત અવ્યવસ્થા સર્જાય છે
સ્મશાનમાં કોરોના સંક્રમણ વધ્યા બાદ સતત મૃતદેહોના અગ્નિસંસ્કાર વધી રહ્યા છે, સ્મશાનમાં વધુ સંખ્યામાં મૃતદેહો આવતા હોવાથી છાસવારે અવ્યવસ્થા સર્જાઈ રહી છે. અમૂક મૃતદેહોને કલાકો સુધી વેઈટિંગમાં રાખવામાં આવી રહ્યાં છે. જેથી મૃતકોના સ્વજનો પણ અવ્યવસ્થાથી અકળાઈ જાય છે, વળી કોરોનાગ્રસ્ત અને નોર્મલ મૃતકોના એક સાથે અંતિમ સંસ્કાર થતા હોવાથી અલગ અલગ અગ્નિસંસ્કાર કરવાની માગ પણ કરવામાં આવી રહી છે.
સુરતમાં જગ્યા ઘટતા બારડોલી મૃતદેહ મોકલાયા
સુરતથી કોરોનામાં મૃત્યુ થયેલા મૃતકોને અંતિમક્રિયા માટે મોકલવામાં આવ્યા બાદ, બારડોલી સ્મશાનમાં બોડીને શબવાહિનીમાંથી ઉતારવાથી લઈ, સગડીમાં મુકવા સુધીની તમામ કામગીરી બારડોલી પાલિકાના નગરસેવક અને એક્તાગ્રુપના સભ્ય આરીફ પટેલ તથા બીજા સભ્યો મદદ કરી રહ્યા છે. સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.બારડોલીના સ્મશાનમાં 3 ગેસ સગડી કોરોના મૃતક માટે ઉપયોગમાં લેવામાં આવશે. સુરતથી આવતા મૃતકોને સ્મશાનમાં અંતિમક્રિયા માટે બારડોલીની સેવાભાવી સંસ્થા અને પાલિકાના કર્મચારી સહિત મદદગારીમાં હાજર રહેશે
બારડોલીમાં 40 ગામના મૃતદેહ આવે છે
બારડોલી અંતિમ ઉડાનમાં આ વિસ્તારના આજુબાજુના 40 ગામોમાંથી મૃતકોની અંતિમક્રિયા માટે લાવવામાં આવે છે. હાલ રોજના 10ની એવરેજ હોવાથી, સુરતથી રોજના 5 મૃતકની અંતિમક્રિયાનો સહકાર આપવા ટ્રસ્ટે નક્કી કર્યું છે. જેથી કરી સ્થાનિકોને અગવડતા નહિ પડે. –

