ગુજરાત યુનિ.માં ઉપકુલપતિ સહિત આઠથી વધુ કોરોના ગ્રસ્ત
અમદાવાદ,શુક્રવાર
ગુજરાત યુનિ.માં ઉપકુલપતિ અને અન્ય કેટલાક અધિકારી અને કર્મચારી તેમજ ૩ અધ્યાપક સહિત આઠથી વધુ વ્યક્તિને કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યો છે.જેને પગલે આગામી બુધવાર સુધી અધિકારીઓ-કર્મચારીઓને વર્ક ફ્રોમ આપવામા આવ્યુ છે અને બુધવાર સુધી કાર્યાલય બંધ રહેશે.
અમદાવાદમાં દિવસેને દિવસે કોરોનાના કેસો ખૂબ જ વધી રહ્યા છે. આઈઆઈએમ, આઈઆઈટી તેમજ જીટીયુ સહિતની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં કોરોનાના કેસો નોંધાયા બાદ હવે બીજી લહેરમાં પણ ગુજરાત યુનિ.માં કેસો નોંધાવાનું શરૃ થઈ ગયુ છે. ગુજરાત યુનિ.ના ઉપકુલપતિ તેમજ અન્ય બેથીત્રણ અધિકારી અને બેથીત્રણ કર્મચારી તથા ત્રણ અધ્યાપકો સહિત વિવિધ વિભાગમાં આઠથી વધુ લોકો કોરોનાગ્રસ્ત થયા છે.મહત્વનું છેકે થોડા દિવસ પહેલા યુનિ.ના ભાષા ભવનના કર્મચારી રાજેશ શાહ કોરોનાની રસી લીધા બાદ કોરોનાગ્રસ્ત થયા હતા અને સારવાર દરમિયાન તેમનું અવસાન થયુ હતુ.
યુનિ.દ્વારા હાલ ટાવર બિલ્ડીંગના મુખ્ય કાર્યાલયમાં તમામ અધિકારી-કર્મચારીને ઘરેથી કામ કરવા સૂચના અપાઈ છે.શનિ-રવિ યુનિ.માં રજા જ હતી અને ૧૩મીથી તથા ૧૪મી એપ્રિલ બંને દિવસ પણ જાહેર રજાને લીધે યુનિ.બંધ હતી.જેથી સોમવારે ૧૨મીએ રજા આપવામા આવી છે અને આમ બુધવાર ૧૪મી સુધી યુનિ.માં રજા આપવામા આવી છે જેથી કેમ્પસ બંધ રહેશે.