અમદાવાદઃ હાર્દિક પટેલ સહિત 60 સામે રાયોટિંગનો ગુનો નોંધાયો, 10ની ધરપકડ
અમદાવાદઃ
હાર્દિક પટેલ સહિત 60 જેટલા લોકો સામે રામોલ પોલીસમાં રાયોટિંગનો ગુનો નોંધાયો છે. વસ્ત્રાલના કોર્પોરેટર પરેશ પટેલની ફરિયાદના આધારે રામોલ પોલીસે ગુનો નોંધીને કાયદેસની કાર્યવાહી હાથધરી છે. પોલીસે અત્યાર સુધી 10 જેટલા લોકોની ધરપકડ કરી લીધી છે.
કોર્પોરેટર પરેશ પટેલના ફેસબુક પર વસ્ત્રાલ વિસ્તારના કેટલાક લોકોએ પાટીદાર આંદોલનને લઈને કોમેન્ટ કરી હતી. કોમેન્ટ મુદ્દે પરેશ પટેલ ફરિયાદ કરતાં પોલીસે કેટલાક યુવકોની અટકાયત કરી હતી. જે મુદ્દે હાર્દિક પટેલ તથા અન્ય યુવકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રામોલ પોલીસ સ્ટેશન પહોંચીને યુવકોને છોડવાની માંગ કરી હતી. આ મુદ્દે હાર્દિક પટેલ સહિતના પાટીદારો પરેશ પટેલના ઘરે પણ પહોંચ્યા હતા. હોબાળો થતા પોલીસ કાફલો પહોંચતા હાર્દિક પટેલ સહિતના લોકો ત્યાંથી જતા રહ્યાં હતા. જોકે, પોલીસે 10 લોકોને ઝડપી લીધા હતા. પોલીસે આ સાથે જ ઘટના સ્થળેથી 1 કાર અને 8 ટુ વ્હીલર જપ્ત કર્યા હતા.
આ મુદ્દે કોર્પોરેટર પરેશ પટેલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે હાર્દિક સહિતના અસામાજિક તત્વો તેમના ઘરે હુમલો કરવા પહોંચ્યા હતા. જે મુદ્દે રામોલ પોલીસે તમામ સામે રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો.