કોરોના થી મોત માં અમદાવાદ આગળ, અત્યારસુધીનાં 5615 મોતમાં 2667 મોત એકમાત્ર અમદાવાદમાં
ગુજરાતમાં બરાબર એક વર્ષ બાદ કોરોનાના કેસ ફરી માઝા મૂકી રહ્યા છે. ગત વર્ષે 19 માર્ચના રોજ સુરત અને રાજકોટમાં એકસાથે કોરોનાના કેસ ડિટેક્ટ થયા હતા, જે ગુજરાતમાં કોરોનાના પગપેસારાનો પુરાવો હતો. સમગ્ર માર્ચ-2020માં ગુજરાતના સરકારી ચોપડે 74 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેમાંથી 6નાં મોત થયાં હતાં. આમ, કેસ ફેટાલિટી રેશિયો (CFR)ની (કોરોનાના કુલ કેસમાં મોતની ટકાવારી) દૃષ્ટિએ જોઈએ તો માર્ચ-2020માં ગુજરાતમાં એ 8.1% હતો, જે અત્યારસુધીનો હાઈએસ્ટ આંક છે. જોકે અત્યારે પણ ગુજરાતની સ્થિતિ કાંઈ સારી તો છે જ નહીં. હાલ ગુજરાતનો CFR ભલે 1 ટકાની નીચે હોય, પરંતુ રાજ્યમાં કોરોનાનું એપિસેન્ટર બનેલો અમદાવાદ જિલ્લો 2.4નો CFR ધરાવે છે, જે 2500થી વધુ કોરોના મૃત્યુ ધરાવતા દેશના ટોચના 10 જિલ્લામાં પહેલા સ્થાને છે.
હજી પણ રોજ અમદાવાદમાં રાજ્યનાં 47.50% મૃત્યુ નોંધાય છે
કોરોના મહામારીમાં ગત 20 એપ્રિલ સુધીમાં ગુજરાતમાં 5615 મોત થયાં હોવાનું સરકારી આંકડા બતાવે છે. આમાંથી 2667 એટલે કે 47.50% મોત તો એકલા અમદાવાદ જિલ્લામાં જ થયાં છે. હજી આ તો સરકારી આંકડા છે, બાકી અમદાવાદ શહેર લાશોના ઢગલા પર બેઠું છે અને સ્મશાનોમાં અત્યારે કેટલું વેઇટિંગ ચાલે છે એ કોઈ નથી જાણતું. રોજેરોજ છાપાંમાં પાનેપાનાં ભરીને બેસણાંની જાહેરાતો આવે છે અને કોરોના પોઝિટિવ કેસ હોવા છતાં મૃત્યુ સમયે રિપોર્ટ નેગેટિવ હોવાનું કહીને કેસને કો-મોર્બિડમાં ગણાવાય છે એ અલગ ચર્ચાનો વિષય છે, પરંતુ અહીં આપણે ફક્ત સરકારી આંકડાની વાત કરીએ તોપણ રાજ્યમાં કોરોનાથી થતાં કુલ મૃત્યુમાંથી અડધોઅડધ મોત એકલાં અમદાવાદમાં જ થાય છે.
મે-2020માં 6.6% મોર્ટાલિટી રેટ સામે 824 ડેથ, આજે 0.9% સામે 1096 મોત
ગુજરાત માટે 2020નું વર્ષ કોરોનાની દૃષ્ટિએ ચોક્કસપણે પડકારરૂપ હતું અને એ સમયે નવી મહામારીને કારણે મૃત્યુદર પણ ઊંચો હતો. એપ્રિલ-2020થી ગુજરાતમાં કૂદકે ને ભૂસકે કેસ વધવા લાગ્યા અને સાથે મોર્ટાલિટી રેટ પણ વધવા લાગ્યો. મે-20માં ગુજરાતમાં 12389 નવા કેસ સાથે 824 મૃત્યુ નોંધાયાં હતાં, જેને પગલે 6.6%નો ડેથ રેશિયો નોંધાયો હતો. ત્યાર બાદ મોર્ટાલિટી રેટ ઘટવા લાગ્યો અને જૂનમાં 5.1% (810 મોત), જુલાઈમાં 2.1% (593 મોત), ઓગસ્ટમાં 1.7% (581 મોત) અને સપ્ટેમ્બરમાં 1.1% (431 મોત) નોંધાયો હતો. જોકે એપ્રિલમાં 20મી તારીખ સુધીમાં જ ગુજરાતમાં 1096 મોત થઈ ચૂક્યાં છે, પરંતુ એની સામે કેસ પણ વધીને 120480 થઈ ગયા હોવાથી મોર્ટાલિટી રેટ 1ની નીચે (0.9%) નોંધાયો છે, પરંતુ વધતા મૃત્યુઆંક સાથે એ એપ્રિલના અંત સુધીમાં 2%ને પાર કરી શકે છે.
દેશમાં સૌથી ઊંચો 2.4%નો ડેથ રેટ અમદાવાદનો, મુંબઈ-દિલ્હીથી પણ વધુ
ભારત સરકારના જ કોવિડ-19ના આંકડાઓ રજૂ કરતી વેબસાઈટ www.covid19india.org અનુસાર, દેશમાં 2500થી વધુ મોત થયાં હોય તેવા ટોપ-10 જિલ્લામાં ટકાવારીની દૃષ્ટિએ અમદાવાદ ટોચ પર છે. કોરોના મૃત્યુની ટકાવારી એટલે કે કેસ ફેટાલિટી રેશિયો (CFR)ના માપદંડ અનુસાર, અમદાવાદમાં અત્યારસુધીમાં 1.11 લાખ કેસ સામે 2667 મોત થઈ ચૂક્યા છે, જે 2.4નો (CFR) દર્શાવે છે. મુંબઈ (12446 મોત) અને દિલ્હી (12638 મોત) ભલે મૃત્યુઆંકની દૃષ્ટિએ અમદાવાદ કરતા જોજનો આગળ હોય છતાં કોરોના કેસની સરખામણે મૃત્યુની ટકાવારીની દૃષ્ટિએ અમદાવાદની સ્થિતિ આખા દેશમાં જિલ્લા તરીકે સૌથી ખરાબ છે.
મહેસાણા-પાટણ-જામનગરમાં સુરત-રાજકોટ કરતાં ઝડપથી કેસ વધ્યા
એપ્રિલ મહિનો આમેય કોરોનાની બીજી લહેર લઈને આવ્યો, જે ગુજરાત માટે સૌથી કપરો બન્યો છે, પરંતુ આ બીજી લહેરમાં સૌથી મોટું પરિવર્તન ટિયર-2 શહેરોમાં જે રોકેટગતિએ ઉછાળો થયો છે એ રહ્યું છે. અત્યારસુધી અમદાવાદ-સુરત-વડોદરા-રાજકોટ જેવાં ચાર મહાનગરમાં જ કેસ તેજ ગતિએ વધતા હતા, પરંતુ કોરોના-2માં એપ્રિલના પહેલા 20 દિવસમાં મહેસાણા (31%), પાટણ (30%) અને જામનગર (29%) જેવાં શહેરોમાં તીવ્રગતિએ કોરોના કેસ વધ્યા છે. આ વધારો સુરત (29%) અને રાજકોટ (27%) કરતાં પણ વધુ હતો. આમ એ વાતના પૂરતા પુરાવા છે કે કોરોના આ બીજી લહેરમાં ગુજરાતનાં તમામ શહેરો અને ગામેગામને ભરડામાં લઈ રહ્યો છે.