વિશ્વ રેકોર્ડ : ભારતમાં છેલ્લા 24 કલાકમાં 3.15 લાખ કોરોના કેસ નોંધાયા
ખુબ જ દુખદ અને ચિંતાજનક સમાચાર છે. નવા દર્દીઓના મામલે ભારતે અમેરિકાને પણ પાછળ ધકેલી દીધું છે. દેશમાં પ્રથમ વખત એક જ દિવસમાં રેકોર્ડ 3 લાખ 15 હજાર 552 કેસ નોંધાયા છે. અત્યાર સુધી કોઈ એક દેશમાં એક જ દિવસમાં નોંધાયેલા દર્દીઓની આ સંખ્યા સૌથી વધુ છે. આ અગાઉ 8 મી જાન્યુઆરીએ અમેરિકામાં 3 લાખ 7 હજાર લોકો પોઝિટિવ મળ્યા હતા.
એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ મૃત્યુ
મૃત્યુના મામલે પણ છેલ્લા બે દિવસથી ડરાવનારા આંકડા સામે આવી રહ્યા છે. બુધવારે રેકોર્ડ 2,101 લોકોનાં મોત થયાં. મૃત્યુનો આ આંકડો અત્યાર સુધીનો સૌથી વધુ છે. આ પહેલા મંગળવારે 2,021 મૃત્યુ નોંધાયા હતા. ભારત વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જ્યાં એક દિવસમાં આટલા બધા મૃત્યુ થઈ રહ્યા છે. અન્ય તમામ દેશોમાં એક હજાર કરતા પણ ઓછા લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.
બુધવારે દેશમાં એક્ટિવ કેસ વધવામાં પણ રેકોર્ડ આંકડો સામે આવ્યો છે. એક દિવસમાં 1.33 લાખ એક્ટિવ કેસ વધ્યા હતા. આ પહેલા સૌથી વધુ 18 એપ્રિલના રોજ 1.29 લાખ અને મંગળવારે 1.25 લાખ એક્ટિવ કેસ વધ્યા હતા. હવે આખા દેશમાં 22.84 લાખ દર્દીઓ એવા છે જેઓ સારવાર લઇ રહ્યા છે. આને જ એક્ટિવ કેસ કહેવામાં આવે છે.
દેશમાં કોરોના મહામારીના આંકડા
છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા: 3.15 લાખ
છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ: 2,101
છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયા: 1.79 લાખ
અત્યાર સુધીમાં કુલ સંક્રમિત થયા: 1.59 કરોડ
અત્યાર સુધી સાજા થયા: 1.34 કરોડ
અત્યાર સુધીમાં કુલ મૃત્યુ: 1.84 લાખ
હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા: 22.84 લાખ