સિવિલ હોસ્પિટલમાં દાખલ થવા માટે 4થી 6 કલાક સુધીનું વેઈટિંગ
ગાંધીનગરમાં ગુરુવારે વધુ 276 વ્યક્તિ કોરોના સંક્રમિત થઈ છે, જેમાંથી મનપા વિસ્તારમાં જ કુલ 161 કેસ નોંધાવા પામ્યા છે. જ્યારે વધુ 35 દર્દીએ કોરોના સામેનો જંગ હાર્યા છે. જો કે, એક તરફ કેસમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. બીજી બાજુએ હોસ્પિટલમાં બેડ ફૂલ થઈ રહ્યાં છે. ત્યારે દર્દીને હોસ્પિટલમાં એડમિટ કરવામાં હાલાકી પડી રહી છે. તેમાંય કેટલાક દર્દી હોસ્પિટલની બહાર જ તેમનો દમ તોડે છે.
એક સપ્તાહ અગાઉ સિવિલ હોસ્પિટલની બહાર 2 કલાકના વેઇટિંગ બાદ કોવિડના દર્દીઓને એડમિશન આપતા હતા. પરંતુ ગુરુવારે કોવિડના દર્દીઓના સગાઓએ 4-4 કલાકનું વેઇટીંગ કરવા છતાં સિવિલ હોસ્પિટલમાં એડમિશન મળતું નથી. ત્યારે કોરોનાની વકરતી જતી સ્થિતિ એ આગામી સમયમાં રેડ સિગ્નલ સમાન સ્થિતિ બની રહેશે તેવી ચેતવણી આપી રહી છે.
રાજ્યમાં દિન પ્રતિદિન કોરોનાની પરિસ્થિતિ બેકાબુ બની રહી છે. એપ્રિલ માસમાં તારીખ 1થી 10 સુધીમાં પ્રતિદિન કેસ ડબલ ડિજિટમાં નોંધાઈ રહ્યાં છે. જ્યારે છેલ્લા 12 દિવસથી કોરોનાના કેસ 3 ડિજિટમાં નોંધાઈ રહ્યાં છે. જોકે એકાદ સપ્તાહ અગાઉ ગાંધીનગર સિવિલમાં શરૂ કરાયેલા ફિવર ઓપીડીની બહાર કોવિડના દર્દીઓ 2 કલાકની રાહ જોતા તેઓને એડમિશન મળી જતું હતું. જ્યારે ગુરુવારે ભાસ્કરની ટીમે સિવિલ હોસ્પિટલના ફિવર ઓપીડીની સામે તપાસ કરતા બપોરે કોરોનાના દર્દીઓને દાખલ કરવા માટે 6 એમ્બ્યુલન્સની લાઇન લાગી હતી.
આથી કોરોનાના દર્દીઓના સગાઓને પુછતા જણાવ્યું કે, 4 – 4 કલાકથી એડમિશન માટે રાહ જોઇ રહ્યા છે. તેમ છતાં હજુ એડમિશન મળતું નથી. જ્યારે એડમિશનની લાઇનમાં ઊભા અન્ય દર્દીઓના સગાઓને પુછતા તેઓએ 3 કલાકથી રાહ જોઇ રહ્યા હોવાનું જણાવ્યું હતું. આથી કોરોનાની સ્થિતિ વધુ વણસી રહી હોવાનું ચિત્ર ઉપસ્યું છે.
ફિવર ઓપીડીના ઓટલા પર જ દર્દીને સૂવાની સ્થિતિ આવી
કોરોનાના લક્ષણો જોવા મળતા સારવાર માટે આવેલા દર્દીને દાખલ કરવામાં આવ્યા નહી. આથી ફિવર ઓપીડીના ઓટલા પર દર્દીને સૂવાની સ્થિતિ આવી હતી. જ્યારે દર્દીની સાથે ઊભેલા સગાઓના ચહેરા ઉપર આ અંગની લાચારી સ્પષ્ટ જોવા મળતી હતી. ત્યારે દર્દી બહાર સારવાર માટે રાહ જોતો હતો.
ફિવર OPDમાં સામાજિક અંતરનો અભાવ
સિવિલ હોસ્પિટલમાં શરૂ કરાયેલી ફિવર ઓપીડીમાં જ સારવાર લેવા આવતા દર્દીઓમાં સામાજિક અંતરનો અભાવ જોવા મળી રહ્યો હતો. દર્દીઓ અને તેમના સગાઓ ટોળે વળીને ઊભા રહેલા જોવા મળ્યા હતા.
હેન્ડગ્લોઝનું ખુલ્લામાંં નિકાલ કરાય છે
કોરોનાનું સંક્રમણ હાલમાં બેકાબુ બની ગયું હોવા છતાં તેની કાળજી લોકો દ્વારા લેવાતી નથી. આથી દાખલ થવા આવેલા કોવિડ દર્દીઓની લાઇનની સામે જ હેન્ડગ્લોઝનું ખુલ્લામાંં નિકાલ થયેલો નજરે પડતો હતો. આથી યોગ્ય રીતે સફાઇનો અભાવ કે હેન્ડ ગ્લોઝનો યોગ્ય રીતે નિકાલનો અભાવ હોય તેવુંં ચિત્ર ઉપસ્યું હોય તે જોઈ શકાય છે.
ફિવર ઓપીડીમાં કોવિડની 2 ડેડબોડી
કોરોનાની સારવાર માટે આવેલા દર્દીઓને પ્રથમ ફિવર ઓપીડીમાં નીચે રાખેલા બેડમાં રાખીને સારવાર કરવામાં આવે છે. જેમ જેમ ઉપરના વોર્ડમાં જગ્યા ખાલી થાય , તેમ તેમને ઉપરના વોર્ડમાં એડમિટ કરાય છે. જો કે, ફિવર ઓપીડીમાં જ કોવિડના 2 દર્દીઓની ડેડબોડી પડી રહી જોવા મળી રહી હતી. આ દ્શ્ય એક ડરામણું દેખાઈ રહ્યું છે.જેને જોઈને ફિવર ઓપીડીમાં સારવાર માટે આવતા દર્દીઓમાં માનસિક ડર ઊભો થવાની શક્યતા પણ રહેલી છે. તેમજ તેમના નેગેટિવીટી ફેલાવાની શક્યતા રહેલી છે. જો કે, આ જોઈ કોઈપણ વ્યક્તિ ડરી શકે છે.