કાલથી 18 થી 45 વર્ષ સુધીની વયના તમામ લોકો માટે કોરોના વેક્સિનેશનનુ રજિસ્ટ્રેશન શરૂ
ભાવનગર : કોરોના સામે સંરક્ષિત થવાનો એકમાત્ર રામબાણ ઇલાજ કોરોના પ્રતિરોધક રસીથી પોતાની જાતને સંરક્ષિત કરવી છે. આ જરૂરિયાતને ઓળખી ભારતના વડાપ્રધાને દેશમાં ટીકાકરણ મહોત્સવ દ્વારા સમાજના તમામ લોકો રસી લે તે માટેનું અભિયાન હાથ ધર્યું છે.
ગુજરાત રાજ્યમાં પણ આ અગાઉ ૪૫ વર્ષથી મોટી ઉંમરના લોકો માટે રસીકરણની કામગીરી ચાલી રહી છે. હવે આગામી તા.૨૮ એપ્રિલથી રાજ્યના ૧૮ વર્ષ થી ૪૫ વર્ષની વયજૂથના લોકોનું રસીકરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ માટેના રસીકરણનું અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. આ રજિસ્ટ્રેશન કઇ રીતે કરાવવું તેની પ્રક્રિયા નીચે મુજબ છે. આ વેક્સિનના રજિસ્ટ્રેશન માટેના પગલામાં સૌપ્રથમ https://selfregistration.cowin.gov.in લિંક ઓપન કરી રજિસ્ટ્રેશન પોટલ પર જઈ રજિસ્ટ્રેશનનો વિકલ્પ પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર આપીને ગેટ ઓ.ટી.પી. પર ક્લિક કરો. તમારા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. જે ૧૮૦ સેકન્ડમાં સબમિટ કરવાનો રહેશે. ઓ.ટી.પી. સબમિટ કરતા જ નવું પેજ ખુલશે. જેમાં તમારી વિગતો ભરવાની રહેશે.
ફોટો આઇ.ડી. માટે આધાર ઉપરાંત ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ, પેન્શન પાસબુક, એનપીઆર સ્માર્ટ કાર્ડ કે વોટર આઇડી પણ માન્ય રહેશે. જેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી આઇ.ડી. નંબર આપો. ત્યારબાદ નામ, જાતિ, જન્મ તારીખ જણાવવાની રહેશે. ત્યારબાદ નજીકનું કોવિડ વેક્સિનેશન સેન્ટર પસંદ કરવાનો વિકલ્પ મળશે. સેન્ટર સિલેક્ટ કર્યા બાદ તમને અનુકૂળ સમયનો સ્લોટ પસંદ કરી પોતાની જાતનું વેક્સિનેશન કરાવી શકશો.