આરોગ્ય

ભારતની પરિસ્થિતિથી WHO ચિંતિત

ભારતમાં કોરોના મહામારીને કારણે કથળેલી સ્થિતિ પર WHOએ ચિંતા વ્યક્ત કરી છે. સંગઠનના પ્રમુખ ડો. ટેડ્રોસ એડહાનોમ ગેબ્રેયેસસે જણાવ્યું હતું કે આ સમયે ભારતમાં પરિસ્થિતિ કાળજું કંપાવનારી છે. છેલ્લા કેટલાક દિવસોમાં ભારતમાં કોરોનાના દર્દીઓમાં ઝડપથી વધારો થયો છે. દર્દીઓનાં પરિવારજનો હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની વ્યવસ્થા કરવા માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે. આમાંથી પરિસ્થિતિનો અંદાજો એ બાબતથી લગાવી શકાય છે કે રાજધાની દિલ્હીમાં એક અઠવાડિયાનું લોકડાઉન લાદવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારત કોવિડ-19ની ભયંકર લહેર સામે લડત લડી રહ્યું છે. હોસ્પિટલો દર્દીઓથી ભરેલી હોય છે. સ્મશાનઘાટો પર મૃતદેહોની લાઇન લાગી છે. આ ખરેખર હૃદય કંપાવનારી સ્થિતિ છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે ભારતમાં પોલિયો અને ટ્યૂબર્ક્લોસિસ (TB) સામે કામ કરતા 2600 નિષ્ણાતોને કોરોના વિરુદ્ધ કામ પર લગાવી દેવામાં આવ્યા છે. WHO દરેક રીતે મદદ કરવા માટે પ્રયાસ કરી રહ્યું છે. યુનાઇટેડ નેશન્સ (UN)ની આરોગ્ય એજન્સી ભારતને ઓક્સિજન કન્સન્ટ્રેટર અને હોસ્પિટલો માટે જરૂરી સાધનોનો સપ્લાઇ કરી રહ્યું છે.

વિશ્વભરમાં 14 કરોડ 84 લાખ કોરોનાના દર્દીઓ
વિશ્વમાં અત્યારસુધીમાં 14 કરોડ 84 લાખ કોરોનાના દર્દીઓ સામે આવ્યા છે, તેમાંથી 31 લાખ 33 હજાર લોકોનાં મોત નીપજ્યાં છે. વિશ્વના સમૃદ્ધ દેશોએ પોતાને ત્યાં વેક્સિનેશન કાર્યક્રમને વધુ તીવ્ર બનાવ્યો અને મહામારીથી બચવા માટેના પ્રયાસ કરી રહ્યા છે.

ભારત સાથે અમેરિકા અને જાપાન
આ પહેલાં સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. બાઈડને મોદીને કહ્યું- જ્યારે અમેરિકા કોવિડ-19 ને કારણે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે ભારતે તેમને ખૂબ મદદ કરી હતી. હવે અમેરિકાનો વારો છે. વાતચીત બાદ PM મોદીએ કહ્યું હતું કે તેમણે મદદ માટે અમેરિકન રાષ્ટ્રપતિનો આભાર માન્યો. આના થોડા સમય પહેલાં જ જાપાનના વડાપ્રધાન યોશિહિદો સુગાએ પણ મોદી સાથે ફોન પર ચર્ચા કરી હતી.

US કાચો માલ સપ્લાઇ કરશે
બાઈડન સાથે ચર્ચા કર્યા પછી સોશિયલ મીડિયા પર મોદીએ કહ્યું- અમે વેક્સિનના કાચા માલ અને દવાઓની સપ્લાઇ ચેનને અસરકારક બનાવવા પર ચર્ચા કરી. ભારત અને અમેરિકાની હેલ્થકેર પાર્ટનરશિપ દુનિયામાં કોવિડ-19 થી ઉદ્ભવતા પડકારોનો સામનો કરી શકે છે. અમે બંને દેશોમાં મહામારી દ્વારા સર્જાયેલી પરિસ્થિતિ પર વિગતવાર વાત કરી હતી.

સાઉદીથી 80 ટન ઓક્સિજન ભારત આવવા રવાના
સાઉદી અરેબિયાના દમામ બંદરથી 4 ક્રાયોજેનિક ટેન્કમાં 80 ટન ઓક્સિજન ભારત માટે રવાના થયો હતો. એ જલદી જ મુન્દ્રા બંદરે પહોંચશે. એને અદાણી ગ્રુપના નેતૃત્વ હેઠળ લાવવામાં આવી રહ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x