ગાંધીનગર : આજે 324 નવા કોરોના કેસ નોંધાયા, એક જ દિવસમાં 35 મૃતદેહના અંતિમ સંસ્કાર કરાયા
ગાંધીનગર :
ગાંધીનગરમાં કોરોનાની બીજી લહેર પ્રાણઘાતક નીવડી રહી હોય તેવી સ્થિતિનું નિર્માણ થઇ ગયું છે. કોરોના ના કેસો દિનપ્રતિદિન વધી રહ્યા છે ત્યારે આજે ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં 162 કોરોનાના કેસો તેમજ કોર્પોરેશન વિસ્તારમાં 162 કોરોના કેસો મળી ને કોરોનાનો આંકડો 324 નોંધાયો છે. છેલ્લા ત્રણ દિવસમાં જ 913 કોરોના કેસો સામે આવ્યા છે. જ્યારે બીજી તરફ સોમવારે 39 લોકોના મોત થયા હતા અને મંગળવારે 37 મોત હતા તો આજે 35 લોકો મૃત્યુ પામતાં ત્રણ દિવસમાં મૃત્યુ આંક સદી પાર કરીને 111 થયો છે.
ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો, જિલ્લાના દહેગામ, કલોલ, માણસા તેમજ ગાંધીનગર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં 162 કોરોનાં કેસો દફતરે નોંધાયા છે. જ્યારે તેની સામે 95 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.જ્યારે શહેરી વિસ્તારોમાં પણ 162 કોરોના કેસો મળી આવ્યા છે.
ત્યારે ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં રસીનો કુલ એક લાખ 75 હજારથી વધુ લાભાર્થીઓ પ્રથમ ડોઝ તેમજ 42 હજાર 836 લાભાર્થીને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. અને છ હજાર 069 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જ્યારે આઠ હજાર 881 દર્દીઓ હોમ કવોરંટાઈ રહીને સારવાર મેળવી રહ્યા છે.