ગુજરાતમાં કોરોના કેસ ખરેખર ઘટયા છે ? કેમ થયો ઘટાડો હકીકત જાણીને ચોંકી જશો
ગાંધીનગર :
ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે જેમાં દરરોજ હજારોની સંખ્યામાં લોકો વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે. રાજ્યમાં એપ્રિલ મહિનો ખૂબ જ ભારે રહ્યો છે જેમાં પ્રજાએ પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે ત્યારે એપ્રિલ મહિનાના અંતમાં કોરોના વાયરસ ધીમો પડ્યો અને તે બાદ મે મહિનાથી તો કેસ ધીમે ધીમે ઘટવા લાગ્યા છે ત્યારે ગુજરાતમાં ટેસ્ટિંગ પણ ઘટ્યું હોવાના અહેવાલ સામે આવ્યા છે.
ગુજરાત એપ્રિલ મહિનાથી જ સતત ટેસ્ટિંગ ઘટાડવાની શરૂઆત કરવામાં આવી છે. એપ્રિલ મહિનામાં 23મી એપ્રિલે જ્યારે 1 લાખ 89 હજાર 902 સેમ્પલના ટેસ્ટ કરાયા હતા ત્યારે 13 હજાર 804 કોરોના કેસ નોંધાયા હતા પરંતુ ટેસ્ટની સંખ્યામાં ઉત્તરોતર ઘટાડો કરવામાં આવ્યો અને મહિનાના અંતે 30 એપ્રિલે 1 લાખ 69 હજાર 352 ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા, અને ઓછા ટેસ્ટ થયા હોવા છતાં સૌથી વધુ 14,605 કેસ નોંધાયા હતા.
પોઝિટિવિટી રેશિયો વધતા ટેસ્ટિંગમાં ઘટાડો કરાયો
મે મહિનાના બે દિવસમાં ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ઘટી ગયા છે. ત્યારે બીજી મેના રોજ માત્ર 1 લાખ 37 હજાર 714 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે આ ટેસ્ટમાંથી 2 મેના રોજ 12 હજાર 978 કોરોના કેસ નોંધાયા છે.
નોંધનીય છે કે શહેરોમાં કોરોના વાયરસના ટેસ્ટ માટે જે ડોમ ઊભા કરી દેવામાં આવ્યા છે તેમાંથી મોટા ભાગના ડોમ બપોર બાદ બંધ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં ટેસ્ટિંગ કીટ ઓછી નથી એવા તંત્ર દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે ત્યારે ટેસ્ટની સંખ્યામાં કેમ સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે તેના પર સવાલ ઊભા થાય છે.