ગુજરાત

ગુજરાતમાં 2 લાખ લોકોને કોરોના ભરખી ગયો, છતાંય સરકાર મૃતકોના આંકડા છુપાવે છે : કોંગ્રેસ

રાજ્યમાં કોરોનાવાયરસથી કેસ ઘટ્યા છે, પરંતુ ગામડાંમાં સ્થિતિ ખૂબ જ ગંભીર બની રહી છે. ટેસ્ટિંગની સુવિધા તથા સારવારના અભાવે ગામડાંમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ સરકાર દ્વારા કોરોનાથી થઈ રહેલાં મોતના આંકડાઓ સાચા ન બતાવાતા હોવાના ઘણા આક્ષેપો થઈ ચૂક્યા છે. ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા પ્રેસ-કોન્ફરન્સ કરીને સરકાર પર આક્ષેપો કરવામાં આવ્યા છે. એમાં સરકારના સરકારનો અણઘડ વહીવટને કારણે રાજ્યમાં ભય અને અંધાધૂંધીનો માહોલ સર્જાયો હોવાનો આરોપ કરાયો છે, સાથે જ આખા રાજ્યમાં 2 લાખ જેટલા લોકોનાં મોત થયાં હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.

‘કોરોનાથી મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાય આપો’
અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સમાં સરકાર પર આક્ષેપ કરતા કહ્યું, ગુજરાતમાં કોરોના ગંભીર પરિસ્થિતિ છે, ભય અંધાધૂંધી છે બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર ખૂટી પડ્યા છે. આ માટે સરકારનો અણઘડ વહીવટ અને સંકલન જવાબદાર છે. દરેક ડિઝાસ્ટર એક્ટના બે પાસા હોય છે, જેમાં શિક્ષાત્મક પાસું અને કલ્યાણ પાસું. સરકારે શિક્ષાત્મક પાસાનો ઉપયોગ કરી લોકોને દંડ, મિકલસ સીલ સહિતની કાર્યવાહી કરી, પરંતુ કલ્યાણલક્ષી પાસાની અનદેખી કરવામાં આવી રહી છે.

નેશનલ ડિઝાસ્ટર એક્ટ મુજબ કુદરતી આપદા હોય અને લોકો મૃત થાય તો સહાય કરવામાં આવે છે. કોરોના મહામારીમાં 13 મહિનામાં જેટલા લોકોના મૃત્યુ થયા છે તે તમામના પરિવારને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ સરકાર 4 લાખની સહાય જાહેર કરે તેવી માંગ છે. સાચી હકીકત કંઈ અલગ છે. સરકાર નિષ્ઠુર બની મોતના આંકડા છુપાવી રહી છે. લોકોના મોત સામે સરકાર રમત રમી રહી છે. ગુજરાત કોંગ્રેસ કોરોનાથી મોત થયેલા પરિવારની માહિતી મેળવશે. ગૂગલ ફોર્મમાં માહિતી ભરી આપશે તેના આધારે કોંગ્રેસ સરકારમાં રજૂઆત કરશે.

‘રાજ્યમાં 2 લાખ લોકોના કોરોનાથી મોત’
જ્યારે દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકી કહ્યું કે, ‘સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારથી કોરોનાં ફેલાયો છે ત્યારથી 125 જેટલા મોત આંકડાકીય બતાવે છે. 2020માં મોત અને 2021ના મોતના આંકડા અંગે તપાસ કરતા બિહામણા સામે આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 10000થી વધુ લોકોના મૃત્યુ થયા છે. દર મહિને તાલુકાઓમાં સરેરાશ 200 લોકોના મૃત્યુ થયા છે. કોરોનામાં જ્યાં સામાન્ય ગણાતાં જિલ્લામાં 3500 લોકો 65 દિવસમાં મૃત્યુ પામ્યો હોય તો આખા રાજયમાં કેટલો મોટો હોય.

તેઓ આગળ કહે છે, અમદાવાદ, રાજકોટ જેવા મોટા શહેરો જ્યાં વધુ કોરોનાં ફેલાયો હોય ત્યાં કેટલા મોત થયા હોય. દસાડામાં ડેન્ટિસટ પર આરોગ્યકેન્દ્ર ચાલે છે. 8000થી વધુના જ મોત થયા છે જે આંકડા સરકાર છુપાવે છે.’ આખા રાજયમાં 2 લાખ જેટલા લોકોના મોત થયા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે.

‘ગામડાઓમાં કોરોના હજી ખૂબ ફેલાશે’
અમિત ચાવડાએ વધુમાં કહે છે, ‘રાજયના દરેક જિલ્લા, તાલુકા ગામમાં મૃત્યુ થયા તે નામ અને કોમોર્બિડિટીથી થયા હોય કે કોરોનાથી થયા છે તે માટે સરકાર શ્વેતપત્ર જાહેર કરીને તે આંકડા પબ્લિક ડોમેઈનમાં મૂકે. કોઈપણ જિલ્લામાં વ્યવસ્થા નથી. હોલમાં ગાદલા મૂકી અને ફોટો સેશન કરી ખોટી જાહેરાત કરે છે. ગામડાઓમાં પરિસ્થિતિ ગંભીર છે, ટેસ્ટીંગ નથી થતા. જિલ્લાની હોસ્પિટલમાં સુવિધાઓ નથી ત્યારે ગામડામાં કોરોના ઝડપથી ફેલાયો છે, જે હજી ખૂબ જ ફેલાશે. ગામડામાં કોરોના અટકાવવા માસ ટેસ્ટીંગ અને વેક્સિનેશન કરવામાં આવે તેવી માંગ છે. વેક્સિનેશનની મોટી મોટી વાતો કરવામાં આવી છે. 1 ડોઝ આપ્યા બાદ બીજા ડોઝ માટે લોકો હેરાન થાય છે.’

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x