કોરોનામાં કેવી રીતે રહી શકાય માનસિક તણાવથી દૂર ? જાણો ઉપાય
બહારથી અખરોટ જેવું દેખાતું મગજ અસંખ્ય ચેતાતંતુઓનું બનેલું છે. એક સેકન્ડમાં સોળમાં ભાગમાં ત્વરિત નિર્ણયો લેતું મગજ સમગ્ર શરીરનું સંચાલન કેન્દ્ર છે .જો કોઈપણ કારણસર વ્યક્તિ સ્ટ્રેસ અનુભવે તો સમગ્ર શરીર પર તેની અસર થઈ શકે છે. શરીરના કોઈ પણ તંત્ર ઉપર પડતો દબાવ અને તેનાથી ઉત્પન્ન થતી સ્થિતિ તણાવનું નિર્માણ કરે છે. આપણી જીવનશૈલી કે માનસિક સામાજિક વાતાવરણમાં ઉભા થતાં પડકારો ઝીલવા આપણું શરીર અને મન જે પ્રતિક્રિયાઓ ઉત્પન્ન કરે છે તેને સ્ટ્રસ કહે છે.
1. તણાવથી જન્મે છે સ્વાસ્થ્ય સમસ્યાઓ
એક અંદાજ મુજબ આશરે 80 ટકા રોગો માનસિક તણાવને લીધે શરીરમાં થાય છે. જેને મનોદૈહિક રોગો કહે છે. તણાવથી રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે જે વર્તમાન પરિસ્થિતિમાં જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે. તણાવ ઉત્પન્ન કરતાં પરિબળોમાં પરિસ્થિતિ અથવા સંજોગો દરેક વ્યક્તિએ ભિન્ન ભિન્ન હોય છે. કૌટુંબિક તથા અંગત કારણો સમસ્યાઓ, બાળકોની સમસ્યા, વ્યવસાય અને કારકિર્દીને લગતા પરિબળો વગેરે કારણો તણાવની પરિસ્થિતિ પેદા કરવા માટે જવાબદાર હોય છે.
2. લાંબા સમયના તણાવથી નકારાત્મક અસરો
લાંબા સમયથી તણાવ અનુભવી રહ્યા હોય તેવા લોકો ઘણી નકારાત્મક અસરો નો ભોગ બને છે. સ્વભાવ ગુસ્સાવાળો તથા ચીડિયો થઈ જવો, કાર્યશક્તિમાં ઘટાડો થવો, યાદશક્તિમાં ઘટાડો, ભૂખ ન લાગવી કે અતિશય ભૂખ લાગવી આ સ્ટ્રેસના ચિન્હો છે.
3.ધ્યાન
ધ્યાન અનેક રીતે થઈ શકે છે. મંત્ર, જાપ, શ્વાસોશ્વાસ પર ધ્યાન, યોગાસન વગેરે સ્ટ્રેસ દૂર કરવામાં લાભદાયી છે. શારીરિક તથા માનસિક પ્રવૃત્તિ તથા પોતાના આર્થિક વિકાસને લક્ષમાં રાખીને જે અનુકૂળ હોય તે ધ્યાન કરો.
4. પ્રાણાયામ
જો તમને પ્રાણાયામ કરવાનું ફાવે તો એ પણ કરી શ્વાસોશ્વાસની કસરત તણાવથી ત્વરિત રાહત આપશે.
5. આહારમાં યોગ્ય ફેરફારો
પૌષ્ટિક અને પ્રોટીન યુક્ત ખોરાક ફળફળાદી તથા ખોરાકમાં રેસાવાળા ખોરાકનો વધુ ઉપયોગ કરવો. વિટામિન્સ અને એન્ટી ઓક્સિડેન્ટ યોગ્ય પ્રમાણમાં લેવાથી તણાવથી દૂર રહી શકાય છે.
6. ડોક્ટરની મદદ
જો આપને એવું લાગી રહ્યું હોય કે તમે તણાવ અનુભવી રહ્યા છો અને કોઈની મદદની જરૂર લાગી રહી હોય તો વગર વિલંબે સાથે આપની માનસિક પરિસ્થિતિ વિશે ચર્ચા કરો.
7.યોગ્ય ઉપાયોથી રહીએ તાણમુક્ત
વર્તમાન પરિસ્થિતિ તણાવ માટેનું મુખ્ય કારણ છે. આ તબક્કે કેટલાક ઉપાયથી તણાવ દૂર કરી શકાશે. બાગ કામ પોઝિટિવ ઊર્જા આપશે. ખુલ્લી હવા અને પ્રકૃતિ સાથે થોડો સમય વિતાવો. મનગમતું સંગીત સાંભળવાથી મન પ્રફુલ્લિત રહેશે. મિત્ર સાથે ફોન પર જૂની આનંદદાયક સ્મૃતિ યાદ કરવી. મુશ્કેલી વિષે ન વિચારતા ઉપાય અંગે વિચારો સ્થિતિનો સ્વસ્થતાથી સામનો કરો.