ડીસ્ટ્રીકટ લીગલ સર્વિસીસ ઓથોરીટી, ગાંધીનગર ઘ્વારા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
મનુષ્યનું જીવન ખૂબ જ અણમોલ છે, તેની સરખામણીમાં અન્ય કોઈ પણ ચીજ તુચ્છ લાગે છે.પરંતુ ક્યારેક સમય સંજોગે એવા હાલાત ઉત્પન્ન થાય છે જ્યારે જીવ ગુમાવનારના પરિવારને વળતર માટે કોર્ટના દરવાજા ખખડાવવા પડે છે. આવો જ એક કિસ્સો એટલે લીંબડીયા કેનાલ બ્રીજ પાસે સાત માસ પહેલા કાર અકસ્માતમાં મૃત્યુ પામેલ યુવકનો હતભાગી પરીવાર! વાહન અકસ્માતના આ રીતના કેસોના નીકાલ માટે શનીવારે ગાંધીનગર સહીત દેશભરમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી. ત્યારે વર્ષ ૨૦૨૪ માં લીંબડીયા કેનાલ બ્રીજ પાસે ઉભેલી ટ્રકમાં કાર ઘુસી જતા ૩૫ વર્ષના યુવકનું મૃત્યુ થયુ હતુ. આ કેસમાં લોક અદાલતમાં બન્ને પક્ષોનું સમાધાન થયુ હતું. કેસના નીકાલના ભાગ રૂપે મૃતક વિજય જગેટીયાના પરીવારને હાઈકોર્ટ જસ્ટીસ ના હસ્તે રૂા. ૧.૧૫/-કરોડના વળતરનો ચેક આપવામાં આવ્યો હતો.
વસ્ત્રાલ સુર્યોની સ્કાયમાં રહેતા વિજયભાઈ જગેટીયા મારૂતી ઈનોક્ષ (ઈન્ડિયા) પ્રાઈવેટ લીમીટેડમાં મેનેજર તરીકે કામ કરતા હતા અને તેમનો પગાર માસિક અંદાજે રૂા. ૭૨,૦૦૦/- અંકે બોતેર હજાર પુરા કમાતા હતા વિજય જગેટીયા તા. ૦૭/૧૨/૨૦૨૪ ના રોજ આશરે રાત્રે ૧૧:00 વાગ્યાના સુમારે મોટા ચીલોડાથી અમદાવાદ જતા લીંબડીયા કેનાલ બીજ પાસે રોડની પાસે આઈવા ટ્રકની પાછળ અર્ટીગા કાર ઘુસી ગઈ હતી. અને વિજયભાઈ જગટીયા સ્થળ ઉપર જ મૃત્યુ પામ્યા હતાં. આ અકસ્માતમાં મૃતકના પત્ની તથા ઘરના બીજા એક સદસ્યને પણ ઈજા થઈ હતી.આ અકસ્માતમાં ગુજરનાર વિજયભાઈના પત્ની, ભાવનાબેન વિજયભાઈ જગેટીયા, ગુજરનારના માતા મંજુબેન મનોહરભાઈ જગેટીયા તેમજ ગુજરનારના પિતા મનોહરભાઈ ચુનીલાલ જગેટીયા તેમજ ઈજા પામનાર ભાવનાબેન જગેટીયા તેમજ સોનલબેન જગેટીયા એ પણ વળતરનો દાવો ગાંધીનગર ડીસ્ટ્રીક્ટ કોર્ટમાં કરેલ હતો.
ત્યાર બાદ આ કેસ લોક અદાલતમાં મુકવામાં આવ્યો હતો. બંને પક્ષકારોની સંમતીથી ગુજરનાર વિજયભાઈ જગેટીયા ને રૂા.૧.૧૫ કરોડ તથા ઈજા પામનાર સોનલબેનને રૂા. ૧૭, ૩૦,૦૦૦/- તેમજ ઈજા પામનાર ભાવનાબેનને રૂા. ૫,૫૦,૦૦૦/- વળતર આપવામાં આવ્યું છે. અરજદારના વકીલ હર્ષીલ બી. શાહ તેમજ ટાટા એ.આઈ.જી જનરલ ઈન્સ્યોરન્સ કંપનીના વકીલ તેરીકે આશુતોષભાઈ દવે તેમજ ઇન્સ્યોરન્સ કંપનીના ઓફીસર તેમજ નામદાર ડીસ્ટ્રીક્ટ જજ પણ આ ક્ષણે હાજર રહ્યા હતા.