2થી 18 વર્ષની ઉંમરના લોકો પર થશે કોવેક્સિનની ટ્રાયલ
નવી દિલ્હી
કોરોના વિરૂદ્ધ ચાલી રહેલી લડાઈમાં વધુ એક મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ ગુરૂવારે ભારત બાયોટેકની કોવેક્સિનને 2થી 18 વર્ષની ઉંમરના બાળકો પર ટ્રાયલની મંજૂરી આપી દીધી છે. કોરોના વેક્સિનનું મોનિટરીંગ કરતી સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ અગાઉ આ માટે ટ્રાયલની ભલામણ કરી હતી.
જાણવા મળ્યા મુજબ ભારત બાયોટેક 525 વોલેન્ટિયર્સ પર ટ્રાયલ કરશે. તે 2થી 18 વર્ષની ઉંમરના બાળકો પર કરવામાં આવનારૂ કોવેક્સિનનું ફેઝ-2 અને ફેઝ-3 ક્લીનિકલ ટ્રાયલ હશે. ટ્રાયલ દરમિયાન વેક્સિનનો પહેલો અને બીજો ડોઝ 28 દિવસના અંતરે આપવામાં આવશે.
ત્રીજી લહેરમાં બાળકો પર જોખમની આશંકા
ભારતમાં હાલ કોરોના વાયરસની બીજી લહેરનો પ્રકોપ ચાલી રહ્યો છે. તેમાં દેશની સ્વાસ્થ્ય સિસ્ટમ ભાંગી પડી છે અને ચારે બાજુ તબાહી જોવા મળી રહી છે. આ સંજોગોમાં નિષ્ણાતોએ ભારતમાં કોરોનાની ત્રીજી લહેર પણ આવશે જેમાં બાળકો પર સૌથી વધારે અસર થશે તેમ કહ્યું હતું.
વૈજ્ઞાનિકોની ચેતવણી બાદ સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્ર સરકારને ત્રીજી લહેરની તૈયારીઓ અંગે સવાલ કર્યો હતો. અનેક રાજ્ય સરકારોએ અત્યારથી જ બાળકો માટે અલગથી હોસ્પિટલ બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે. જો કે, સૌથી વધારે આશા વેક્સિન પર જ છે.