દેશમાં કોરોના સંકટ વચ્ચે વડાપ્રધાન મોદીનું સંબોધન, ખેડૂતો સાથે કરશે સંવાદ
ગાંધીનગર :
દેશ કોરોના વાયરસના સંકટ સામે પસાર થઈ રહ્યો છે, એવામાં ભારત સરકાર તરફથી આવતીકાલે કરોડો ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિના નાણાં ટ્રાન્સફર કરવામાં આવશે.
ગુજરાત સહિત આખા દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે અને બીજી લહેરના કહેરથી દેશ પસાર થઈ રહ્યો છે. સતત વધતાં કેસ વચ્ચે આવતીકાલે પીએમ મોદી ફરીથી દેશને સંબોધિત કરવાના છે. પીએમ મોદી વીડિયો કૉંફરેન્સિંગના માધ્યમથી ખેડૂતો સાથે સંવાદ કરશે.
નોંધનીય છે કે પીએમ મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે દેશના કરોડો અન્નદાતાઓ માટે કાલનો દિવસ અતિમહત્વનો છે. સવારે 11 વાગ્યે વીડિયો કૉંફરેન્સિંગના માધ્યમથી પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિનો આઠમો હપ્તો ખેડૂતોના ખાતામાં જાહેર કરવામાં આવશે. આ અવસર પર ખેડૂત ભાઈઓ-બહેનો સાથે સંવાદ પણ કરીશ.
ભારત સરકાર દ્વારા કિસાન સમ્માન નિધિ યોજના ચલાવવામાં આવે છે જેમાં ભારતના કરોડો ગરીબ ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. આ આર્થિક સહાય ખેડૂતોના ખાતામાં સીધી જ ટ્રાન્સફર કરવામાં આવે છે. ભારત સરકારની યોજના અનુસાર દર વર્ષે ખેડૂતોને છ હજાર રૂપિયા આર્થિક સહાય યોજના દ્વારા આપવામાં આવે છે ત્યારે આવતીકાલે આ જ યોજના હેઠળ પીએમ મોદી ખેડૂતોને ફરી વાર ભેટ આપવાના છે. માનવામાં આવી રહ્યું છે કે દેશમાં કોરોના વાયરસના સંકટને જોતાં ખેડૂતો સાથે સંવાદ દરમિયાન પીએમ મોદી મહામારીને લઈને પણ પોતાનો મંતવ્ય રજૂ કરી શકે છે.
ભારત માર્ચ મહિનાની શરૂઆતથી જ સતત કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે અને કોરોના વાયરસની બીજી લહેર તબાહી મચાવી રહી છે. છેલ્લા ઘણા દિવસથી સાડા ત્રણ લાખથી ચાર લાખ દૈનિક કેસ દેશમાં સામે આવી રહ્યા છે ત્યારે આજે કોરોના વાયરસના નવા 3,62,727 કેસ નોંધાયા છે. જ્યારે 3,52,181 થયા ડિસ્ચાર્જ થયા છે અને એક દિવસમાં 4,120 દર્દીઓના મોત પણ નિપજ્યાં છે.