ફી નિર્ધારણ મુદ્દે જિલ્લાની ૨૮ શાળાઓ કોર્ટમાં ગઇ તો ૩૧ સ્કૂલોને ફી નિર્ધારણ મંજુર નથી
ગાંધીનગર
ફી નિર્ધારણના નિયમની કડક અમલવારી કરવા માટે તમામ અધિકારીઓને મંત્રીકક્ષાએથી સુચના આપ્યા બાદ કલેક્ટર દ્વારા પણ આ અંગે ખાસ કાર્યવાહી કરવા માટે જિલ્લાના શિક્ષણાધિકારીઓને આદેશ કર્યા હતા. જેને લઇને ગાંધીનગર શહેર અને જિલ્લાની પ્રાથમિક તથા માધ્યમિક શાળાના સંચાલકો સાથે કાઉન્સિલીંગ ગોઠવવામાં આવ્યું હતું. જેને અંતે જિલ્લાની ફક્ત ૧૮ જેટલી સ્કૂલોએ જ પોતાની ફી ઘટાડી છે. જ્યારે ૩૧ જેટલી સ્કૂલોને આ નિર્ધારણ મંજુર ન હોય તેમ ફી વધારવા માટે દરખાસ્ત કરી છે. આ ઉપરાંત નિયમ પ્રમાણે ફી લેવાતી હોવાની કુલ ૨૩૫થી પણ વધુ સ્કુલોએ શિક્ષણાધિકારીની કચેરીમાં પોતાનું એફિડેવીટ મોકલી આપ્યા છે.
શાળાઓમાં મનફાવે તેમ ફી ઉઘરાવીને વાલીઓને છેતરવાને શિક્ષણને વેપાર બનાવી દેનાર શાળા સંચાલકો સામે લાલ આંખ કરીને ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગની ફી નિયત કરીને તમામ સેલ્ફફાયનાન્સ સ્કૂલોએ તે પ્રમાણે અથવા આ નિયત કરેલી ફી કરતા ઓછી ફી જ વસુલવા માટેના નિયોમ પણ બનાવવામાં આવ્યા હતા. જે અંતર્ગત ૩૦ દિવસમાં એટલે કે, તા.૨૪ મે સુધીમાં શાળામાં નિયત ફી અંગે એફીડેવીટ અથવા તો ફી વધારવા માટેના કારણો સાથેની દરખાસ્ત જિલ્લાકક્ષાએ શાળાઓને કરવાની હતી. જેમાં બુધવાર સાંજે છ વાગ્યા સુધીમાં ગાંધીનગર શહેર અને જિલ્લામાં પ્રાથમિક તથા માધ્યમિક વિભાગની સ્કૂલોમાંથી ૨૩૫થી પણ વધુ સ્કૂલોએ એફીડેવીટ કરીને પોતાની સ્કૂલમાં લેવાતી ફી જાહેર કરી છે. જ્યારે કાઉન્સિલીંગને અંતે ગાંધીનગર જિલ્લાના ૧૮ જેટલી સ્કૂલોએ પોતાની ફી ઘટાડીને નિયમોનુસાર ફી કરી દીધી છે. જેમાં માધ્યમિક વિભાગની ૧૦ સ્કૂલ જ્યારે પ્રાથમિક વિભાગની આઠ સ્કૂલોનો સમાવેશ થાય છે.
ફી નિર્ધારણના નિયમો ઘડયા બાદ આજે છેલ્લા દિવસે કુલ ૩૧ જેટલી સ્કુૂલોએ પોતાને સરકારે નિયત કરેલી ફી મંજુર નહીં હોવાથી ફી વધારવા માટે દરખાસ્ત કરી છે. જેમાં સીબીએસઇ કોર્ષની સ્કૂલો વધુ હોવાનું સામે આવ્યું છે. ત્યારે ફી વધારવા અંગેના કારણો સાથે આ ૩૧ જેટલી સ્કૂલોએ પોતાની ફી વધારવા માટે દરખાસ્ત કરી છે.જેમાં ગાંધીનગર જિલ્લાની પ્રાથમિક વિભાગની નવ જ્યારે માધ્યમિક વિભાગની ૨૧ જેટલી સ્કૂલોનો સમાવેશ થાય છે. ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં સાંજે છ વાગ્યા સુધીમાં ફી વધારાની રર દરખાસ્ત આવી હતી. જ્યારે ૧૩૬થી વધારે એફીડેવીટ સ્વીકારવામાં આવ્યા હતા. ફી નિર્ધારણના છેલ્લા દિવસે એટલે કે, બુધવાર હોવાથી આ દિવસે રાત્રે મોડે સુધી એફીડેવીટ એન દરખાસ્ત સ્વિકારવામાં આવી હતી .