પ્રતિબંધ છતાં ધોળેશ્વર નજીક સાબરમતી નદીમાં ગેરકાયદે રેતી ખનન
ગાંધીનગર,
ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીમાં ગેરકાયદે રેતી ચોરી અટકાવવા તંત્ર દ્વારા કોઈ પગલાં નહીં ભરવાના કારણે રેતી ચોરો બેફામ બન્યા છે. જેના પગલે પ્રતિબંધ હોવા છતાં ધોળેશ્વર નજીક સાબરમતી નદીના પટમાં રેતીની ચોરી થઈ રહી છે.
ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નદીઓ રેતી ચોરો માટે આશિર્વાદ સમાન બની છે અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ મુકપ્રેક્ષક બનીને સરકારી મિલકત લૂંટાતી જોઈ રહયા છે. તાજતેરમાં જ પેથાપુર નજીક નદીના પટમાં રેતી ચોરોએ ખેતીના સર્વે નંબરો જ ખોદી નાંખ્યા હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી ત્યારે જિલ્લા કલેકટર દ્વારા સંત સરોવરથી ભાટ ગામ સુધી સાબરમતી નદીના પટમાં લીઝ આપવા કે રેતી ખનન ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે તેમ છતાં ગાંધીનગર નજીક ધોળેશ્વર મંદીર પાસે નદીના પટમાં દિવસ રાત રેતી ચોરો દ્વારા ટ્રેકટરો ભરીને રેતીની ચોરી કરવામાં આવી રહી છે. પાંચ કીમી દુર જ ગાંધીનગરમાં બેઠેલા અધિકારીઓને આ ચોરી દેખાતી નથી અને સાબરમતી નદી લૂંટાઈ રહી છે નોંધવું રહેશે કે આ વિસ્તારના નદી પટમાં ખુબજ મોટા ખાડા પડી ગયા હોવાથી તંત્ર દ્વારા આ વિસ્તારમાં રેતી ખનન ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો જેને ઘોળીને પી જવાયો છે.