ફોરેન્સિક યુનિ.માં M.TECH ના છાત્રો પ્લેસમેન્ટ વિહોણા, અન્ય વિદ્યાર્થીઓમાં રોષ
ગાંધીનગર:
ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીમાં એમ ટેકનો અભ્યાસ કરતા 15 વિદ્યાર્થીઓના ગત 21 એપ્રિલે ઇન્ટર્નશીપ માટે ઇન્ટવ્યું કરાયાં હતાં. પ્લેસમેન્ટ ઇન્ટવ્યુમાં પાસ થયેલા વિદ્યાર્થીઓને અન્ય કંપનીમાં પણ પ્લેસમેન્ટ માટે ઇન્ટરવ્યું આપવા ન દેવાતા વિદ્યાર્થીઓનું ભાવિ અદ્ધરતાલ થઇ ગયું છે. યુનિવર્સિટીના સત્તાધિશો પણ મગનું નામ મરી પાડતા નથી. ત્યારે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
પોતાનું ભાવિ ઉજળુ બનાવવા માટે વિદ્યાર્થીઓ 3 લાખ ફી ભરીને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં એમ ટેકનો અભ્યાસ કરવા આવ્યાં છે. મુંબઇની રીલાયન્સ ફાઉન્ડેશન કંપની દ્વારા એમ ટેકના 15 વિદ્યાર્થીઓના ઇન્ટવ્યુ લેવાયાં હતાં અને તમામને પાસ કરી દીધા હતાં. પરંતુ ઇન્ટવ્યુ થયાને સમય વીતવા આવ્યો છતાં તેમને ઇન્ટર્નશીપના ઓર્ડર આપવામાં આવ્યા નથી. વિદ્યાર્થીઓની હાલત કફોડી બની ગઇ છે.
વિદ્યાર્થીઓએ કહ્યું કે, યુનિવર્સિટીએ એવી પોલીસી બનાવી છે કે જે ઇન્ટવ્યુમાં વિદ્યાર્થી પાસ થઇ જાય તેમને અન્ય ઇન્ટરવ્યું આપવા દેવામાં આવતા નથી. ત્યારે વિદ્યાર્થીઓની હાલત ‘સુડી વચ્ચે સોપારી’ જેવી થઇ ગઇ છે. એક તરફ કંપની રીલાયન્સ ફાઉન્ડેશન ઓર્ડર કરતી નથી અને બીજી તરફ અન્ય કંપનીના ઇન્ટરવ્યું આપવા દેતી નથી.