WHO ની ભારતને ચેતવણી કહ્યું- આગામી લહેર વધુ ઘાતક હોઈ શકે
કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં આતંક ફેલાવ્યો છે. આ જીવલેણ બીમારીથી ભારતમાં રોજ આશરે 4 હજાર લોકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે. WHOનાં પ્રમુખ વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામિનાથને કોવિડ-19ની આગામી લહેરો અંગે ચેતવણી આપી છે. ડૉ. સૌમ્યાએ જણાવ્યું હતું કે ભારતમાં આવનારા 6થી 18 મહિનાઓ મહત્ત્વપૂર્ણ રહેશે, જેમાં દેશ કેવી રીતે કોરોના મહામારીને પહોંચી વળવા માટે નિર્ણયો લેશે એ મુખ્ય રહેશે.
મીડિયાના અહેવાલો થકી જાણવા મળ્યું હતું કે મહામારીની લડતમાં મોટા ભાગે બધું વાયરસ ફેલાવા પર નિર્ભર કરશે. વિવિધ પ્રકારના સ્ટ્રેન સામે એન્ટિબોડી અને વેક્સિનની ઇમ્યુનિટી કેવી રીતે અને કેટલા સમય સુધી લોકોનો બચાવ કરશે એ મહત્ત્વનું પાસું રહેશે.
ડૉ. સૌમ્યાએ જણાવ્યું હતું કે આ મહામારીનો પણ એક અંત હશે, જે મુખ્યત્વે કદાચ 2021ના અંતિમ મહિનાઓ સુધી આવી શકે તેમ છે, કારણ કે આ સમયે ભારતમાં લગભગ 30 ટકાથી વધુ લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હશે. આ સમયે મૃત્યુદરમાં પણ ઘટાડો નોંધાશે અને 2022 સુધી દેશમાં વેક્સિનેશન ઝડપી બની શકે છે.
વધુમાં ડૉકટરે જણાવ્યું હતું કે આ મહામારીનો અંતિમ તબક્કો ન પણ હોઈ શકે, હજુ દેશમાં આનાથી પણ ગંભીર કોવિડ-19 મહામારીના તબક્કા સામે આવી શકે છે, જેમાં દેશમાં રહેતા તમામ લોકો અને મહામારીને નાથવા માટે દેશ દ્વારા જે કાર્ય હાથ ધરાશે એનાથી જ એનું ભવિષ્ય નક્કી કરી શકાય તેમ છે. વેક્સિનથી પ્રાપ્ત થતી રોગપ્રતિકારક શક્તિ અને કોરોના સંક્રમિત દર્દીના એન્ટિબોડીને કારણે તે વ્યક્તિને 6થી 8 મહિના સુધી રોગ સામે લડવાની શક્તિ મળી જાય છે. અમે આ અંગે વધુ અભ્યાસ હાથ ધરીને વિવિધ તારણો પણ કાઢી રહ્યા છીએ.
ડૉ. સૌમ્યાએ સારવારના પ્રોટોકોલ પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે જો લોકો આ રોગની સારવાર કરવા માટે ખોટી દવાનો પ્રયોગ કરતા રહેશે તો એની ગંભીર આડઅસરો પણ સામે આવી શકે છે, જેથી કોઈપણ દેશ આ મહામારીને નાથવા માટે WHOની ગાઈડલાઈન્સનું પણ પાલન કરી શકે છે.
કોવિડનો B1.617 પ્રકાર સૌથી ઝડપી સંક્રમણ ફેલાવી શકે એવો ઘાતક છે. વાયરસના વિવિધ પ્રકારો એના મૂળ રૂપના વિકસિત વર્ઝન હોય છે. જેમ-જેમ RNAનું પ્રમાણ વધતું જાય છે તેમ-તેમ વાયરસને પોતાની ક્ષમતા વધારવામાં સરળતા રહે છે. આ મૂળ રૂપથી એક એરર છે, જેનું ખાસ મહત્ત્વ રહેલું નથી. આ કોઈપણ પ્રકારે વાયરસને પ્રભાવિત કરી શકતો નથી.
પ્રાપ્ત થતી માહિતી મુજબ, ભારતમાં જે વેક્સિન ઉપલબ્ધ છે એ કોરોના વાયરસના નવા સ્ટ્રેન વિરુદ્ધ અસરકારક છે. જોકે એવા ઘણા કેસ સામે આવ્યા છે જેમાં વેક્સિનના 2 ડોઝ લીધા હોવા છતાં લોકો સંક્રમિત થયા હોય, પરંતુ એ આંકડાઓ ઘણા ઓછા છે, કારણકે કોઈપણ વેક્સિન 100 ટકા રક્ષણ પૂરું પાડવા માટે સક્ષમ હોતી નથી, આના ડોઝ લીધેલા મોટા ભાગના લોકો ગંભીર બીમારીથી પણ બચી ગયા છે.
WHOનાં પ્રમુખ વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે અત્યારે તો ભારતે માત્ર આરોગ્યલક્ષી સેવાઓ અને ક્ષેત્રમાં વધુ રોકાણ કરવાની જરૂર છે. મહામારીના આ સમયે શારીરિક અને માનસિકરૂપે સક્ષમ હોવું અત્યંત આવશ્યક છે.