પંજાબ CM ભગવંત માનનો PM મોદી પર પ્રહાર: ‘વિદેશ નીતિ માત્ર પ્રચાર માટે?’
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રાલય પર આકરા પ્રહારો કર્યા છે. આજે શુક્રવારે પંજાબ વિધાનસભામાં બોલતા, માને સવાલ કર્યો કે, શું ભારતની વિદેશ નીતિ (foreign policy) નો ઉદ્દેશ માત્ર પ્રચાર કરવાનો છે? તેમણે કટાક્ષ કર્યો કે વડાપ્રધાન એવા દેશોની મુલાકાત કરી રહ્યા છે, જેનું નામ પણ લોકો જાણતા નથી.
માને કહ્યું કે, જો વડાપ્રધાન બે દેશો વચ્ચેનું યુદ્ધ રોકી શકે છે, તો પછી પંજાબ અને હરિયાણા વચ્ચેના મુદ્દાઓને કેમ ઉકેલતા નથી? તેમણે ૨૦૧૫માં પીએમ મોદીની પાકિસ્તાન મુલાકાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેઓ આમંત્રણ વિના ત્યાં ગયા અને બિરયાની જમીને પરત આવ્યા, જ્યારે સામાન્ય લોકો પાકિસ્તાન જઈ શકતા નથી. વિદેશ મંત્રાલયે ભગવંત માનના નિવેદનને “બેજવાબદાર અને ખેદજનક” ગણાવ્યું છે, જે ભારતના રાજદ્વારી અભિગમને પડકારે છે અને નવો રાજકીય મુદ્દો ઉભો કરે છે. માને દિલજીત દોસાંજની ફિલ્મમાં પાકિસ્તાની અભિનેતાના વિવાદ પર પણ ટિપ્પણી કરતા કહ્યું કે કલાને રાજકારણથી દૂર રાખવી જોઈએ.