સોરઠમાં તાઉતે વાવાઝોડાના કારણે કેસર કેરીના પાકને 25 કરોડથી વધુનું નુકસાન થયું
સોરઠમાં તાઉતે વાવાઝોડાના કારણે કેસર કેરીના પાકને 25 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે મળતી વિગત મુજબ સોરઠ એ કેસર કેરીના પાકનું પીઠ્ઠું ગણાય છે. અહિં આંબાના કુલ 16,00,000 ઝાડ છે જેમાં 8 લાખ મેટ્રીક ટન કેસર કેરીનું ઉત્પાદન થાય છે. જોકે, હાલ માત્ર 35 ટકા પાક જ લેવાઇ ગયો છે. બાકીનો 65 ટકા પાક હજુ આંબા પર છે.
દરમિયાન ત્રાટકેલા તાઉતે વાવાઝોડાના કારણે આંબાના અનેક ઝાડનો સોથ વળી ગયો છે. જ્યારે આંબાના મોટાભાગના ઝાડ પરથી ભારે પવનના કારણે કેરી ખરી પડી છે. પરિણામે એક અંદાજ મુજબ કેસર કેરીની ખેતી કરતા ખેડૂતો અને ઇજારદારોને 25 કરોડથી વધુનું નુકસાન થવાની દહેશત વ્યક્ત થઇ રહી છે. દરમિયાન તાલાલા યાર્ડમાં સોમવારે કેસર કેરીના 22,787 બોક્ષની આવક થઇ હતી જેનો ભાવ 400થી લઇને 700 રૂપિયા સુધીનો રહ્યો હતો. જ્યારે વાવાઝોડાના પગલે મંગળવારે તાલાલા યાર્ડ બંધ રહેશે.