ગાંધીનગરગુજરાત

વાવાઝોડું આગામી બે-ત્રણ કલાક પછી અમદાવાદ જિલ્લાને સ્પર્શે તેવી શક્યતા

તાઉ-તે વાવાઝોડું ગુજરાતમાં આગળ વધી રહ્યું છે. વાવાઝોડું આગામી બે-ત્રણ કલાક પછી ગમે તે સમયે અમદાવાદ જિલ્લાને સ્પર્શે તેવી શક્યતા છે. આ દરમિયાન લોકો સલામત રહે તેમજ જિલ્લામાં કોઈ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય તે માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજજ છે. તો બીજી તરફ જ્યાંથી વાવાઝોડું પસાર થઇ રહ્યું છે ત્યાં તારાજી સર્જી રહ્યું છે. અમરેલીના રાજુલામમાં 200થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે, જેના કારણે મોટાભાગના માર્ગો બંધ થયા હોવાના અહેવાલ છે.

વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશીને પોતાની અસર દેખાડી રહ્યું છે. અમરેલી-જાફરાબાદ સાથે ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ભાવનગરમાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હોવાના અહેવાલ છે. ગતરાતથી વાવાઝોડાએ ઉનાથી લઈને ભાવનગર સુધી તબાહી મચાવી છે. સોમનાથમાં વાવાઝોડાની ભારે અસર જોવા મળી રહી છે. અહીં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે. સાથે સાથે ધોધમાર વરસાદની શરૂઆત પણ થઈ હઈ છે. સમગ્ર શહેરી વિસ્તાર સહિત પંથકમાં લાઇટો ગુલ થઈ છે. તો બીજી તરફ રાજકોટના આટકોટ, જસદણ સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે અને સમગ્ર પંથકમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.

જૂનાગઢમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી હતી. મધરાતથી જ શહેરમાં ભારે પવન સાથે વરસાદ ચાલુ થઈ ગયો હતો. જેને પગલે શહેરમાં અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની હતી. આ ઉપરાંત શહેરના ગાંધીચોક વિસ્તારમાં સિટી રાઇડ બસ પર હોર્ડિંગ પડ્યું હતું. જેને પગલે ગાંધીચોકથી રેલવે સ્ટેશન સુધી જવાનો રસ્તો બંધ થઈ ગયો. ત્યારે પાલિકાને આ ઘટનાની જાણ થતા હોર્ડિંગને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

રાજકોટમાં મોડી રાતે 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની છે. એટલું જ નહીં તોફાની પવન સાથે મધરાતે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. જેને લઇને જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને લોકોને કારણ વગર બહાર ન નીકળવા માટે અપીલ કરી હતી. દરિયાકાંઠાના વિસ્તારોમા ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ઉના અને ગીર ગઢડામાં વૃક્ષો, વિજપોલ અને સોલાર પેનલ ધરાશાયી થયાના અહેવાલ છે. મોબાઈલ ટાવર ધરાશાયી થવાના કારણે જાફરાબાદના અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે. ઉનામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે.

વેરાવળમાં પણ વાવાઝોડાની ભારે અસર જોવા મળી છે. ગઈકાલે રાતથી શરૂ થયેલા ભારે પવનને કારણે અનેક જગ્યાઓએ મંડપ સહિત પતરાંઓ ઉડી ગયા હોય તેવી ઘટનાઓ બની છે. આ ઉપરાંત બાયપાસ રોડ ઉપર પણ અનેક વૃક્ષ જમીનદોસ્ત થયા છે. જેને કારણે વાહનવ્યવહાર ઠપ થઈ જવા પામ્યો છે.

રાજકોટમાં વાવાઝોડા અંગે ચાંપતી નજર
રાજકોટ જિલ્લામાં તૌઉતે વાવાઝોડા સંદર્ભે રાજકોટ જિલ્લાના પ્રભારી સચિવ ડો. રાહુલ ગુપ્તા, જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન તથા જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવાસીયાના વડપણ હેઠળ કલેક્ટર કચેરી સ્થિત કંટ્રોલ રૂમ ખાતેથી વાવાઝોડાની વર્તમાન સ્થિતિ ઉપર સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. અધિક નિવાસી કલેક્ટર પરીમલ પંડયાના જણાવ્યા અનુસાર જિલ્લાના તમામ તાલુકા મથકે ક્લાસ-1 અધિકારીઓ દ્વારા વાવાઝોડા અંગે મોનીટરીંગ અને લાઈઝનની કામગીરી કરવામાં આવી રહી છે. સવારથી લઈને રાત સુધીમાં કાચા મકાનો બાંધીને રહેતા તથા વાવાઝોડાના સંભવિત અસરના વિસ્તારમાં રહેતા સમગ્ર જિલ્લાના કુલ 12,450 જેટલા લોકોનું શેલ્ટર હોમ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ વિસ્તારના પશુઓને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જિલ્લા વહિવટી તંત્રના આગોતરા – સુદ્રઢ આયોજનને કારણે હાલ સુધી કોઈ જ અનિચ્છનિય બનાવ બનવા પામ્યો નથી.

સંપૂર્ણ વાવાઝોડું દોઢ બે કલાકે શરૂ થશેઃ મુખ્યમંત્રી
વાવાઝોડા અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છેકે, વાવાઝોડું દીવ અને ઉનાની વચ્ચે છે. સંપૂર્ણ વાવાઝોડું દોઢ બે કલાકે શરૂ થશે. જેમાં 150 કિ.મી. પવન રહેશે. આખી પ્રક્રિયા ચાર કલાક ચાલે છે. ચાર જિલ્લા ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગરમાં વધુ અસર થશે. લેન્ડફોલ પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. વાવાઝોડાની અસરમાં ઝાડ પડ્યા છે અને લાઇટો બંધ થઇ છે. જામનગર, રાજકોટ, પોરબંદર, આણંદ, ભરૂચ અને ધોલેરામાં પણ તેની અસર જોવા મળશે.

વાવાઝોડાના પગલે અનેક વિસ્તારોમાં વરસાદ
તાઉ તે વાવાઝોડાના પગલે નવસારી જિલ્લામાં પવનના સુસવાતા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. કાંઠા વિભાગના 16 ગામોમા સાવચેતીના પગેલ વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. ગીર સોમનાથના ઉનામાં ભારે પવનના કારણે 200 જેટલા વૃક્ષો ધારાશાયી થતા વીજ પૂરવઠો ખોરવાયો છે.

ધોલાઇ બંદરેથી નીકળેલી બોટની શોધખોળ શરૂ
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કૃષ્ણપુર ગામની મીના બોટ ગાયબ થઈ જતા તેની શોધખોળ હાથ ધરાઇ છે. 13મી તારીખે ધોલાઇ બંદરથી 8 માછીમાર સાથે આ બોટ નીકળી હતી, તે પછી તેનો કોઇ પત્તો લાગ્યો નથી. હાલ તેની શોધખોળ ચાલી રહી હોવાની માહિતી સાંપડી છે.

માછીમાર વર્ણવે છે સમુદ્રનું રૌદ્ર સ્વરૂપ
સોમવારે મુંબઈથી નીકળેલી મનિષભાઈ ગ્રુપની 17 બોટ નવસારી જિલ્લાના દરિયાકાંઠે આવી પહોંચતા માછીમારોના પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો. મનિષભાઈ ગ્રુપના મનિષભાઈએ જણાવ્યું હતું કે, મુંબઈથી દરિયો ખેડી માછીમારી કરતા હતા ત્યારે તાઉતે વાવાઝોડાની ખબર પડી હતી. જોકે એ વખતે મુંબઈના દરિયા વિસ્તારમાં તેની અસર વધી હતી. આથી મુંબઈ દરિયાકાંઠે જવા કરતા નવસારી પરત આવવાનું મુનાસિબ માન્યું હતું. મુંબઈમાં જે તે સંબંધીઓને તેની જાણ કરી અમે પરત આવવવા નીકળ્યા હતા. નવસારી કાંઠે પહોંચતા 16 કલાકની જગ્યાએ વખતે દરિયો તોફાની હોવાથી 20 કલાક જેટલો સમય લાગ્યો હતો. આ વખતે દરિયો પાલઘર (મુંબઈ) પછી ગુજરાત તરફ આવતા દરિયામાં વધુ કરંટ જોવા મળ્યો હતો. સાથે વરસાદ અનને પવનને કારણે બોટની ઝડપ પણ ઘટાડવાની ફરજ પડી હતી. રેગ્યુલર કરતા મોટા મોજા જોતા જ વાવાઝોડુ ઝડપથી આગળ વધી રહ્યાનો અંદાજ આવી ગયો હતો. જેથી શક્ય તેટલી ઝડપે કાંઠે આવવાનો પ્રયાસ કર્યો હતો. આખરે ભાટના કાંઠે 8 અને કૃષ્ણપુરના કાંઠે 9 મળી કુલ 17 બોટ સાથે નવસારીમાં આવી પહોંચ્યા હતા. જેમાં 200 જેટલા માછીમારો બોટમાં હતા. પરિવારજનોમાં પણ અમે પરત ફરતાં આનંદ છવાયો હતો

રાજ્યમાં રાહત-બચાવ માટે 44 NDRFની ટીમો તૈનાત
રાજ્યમાં ‘‘તાઉ’તે’’ વાવાઝોડા સંદર્ભે રાહત અને બચાવ કામગીરી માટે સંભવિત અસરગ્રસ્ત 20 જિલ્લાઓમાં NDRFની ૪૪ ટીમો તૈનાત કરી દેવાઇ છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલી માહિતી અનુસાર રાજ્યના જે 20 જિલ્લાઓમાં NDRFની ટીમો તૈનાત કરાઇ છે. જેમાં વલસાડ જિલ્લામાં બે, નવસારીમાં એક, સુરતમાં બે, ભરૂચમાં બે, આણંદમાં બે, ખેડામાં એક, અમદાવાદમાં બે, બોટાદમાં એક, ભાવનગરમાં ચાર, અમરેલીમાં ચાર, ગીર સોમનાથમાં ચાર, જૂનાગઢમાં ત્રણ, પોરબંદરમાં ત્રણ, દ્વારકામાં બે, જામનગરમાં બે, રાજકોટમાં બે, મોરબીમાં બે, સુરેન્દ્રનગરમાં બે, કચ્છમાં એક, ગાંધીનગરમાં એક ટીમ મળી કુલ 44 ટીમો તૈનાત કરાઇ છે.

આ પાંચ જિલ્લામાં સૌથી વધુ અસર જોવા મળશે
પંકજ કુમારે વાવાઝોડાની સ્થિતિ અને તેની સામેની સરકારની તૈયારી અંગે માહિતગાર કરતા જણાવ્યુ છેકે, વાવઝોડું વધારે પ્રભાવી થયું છે. 13 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. દીવથી 20 કિ.મી. પૂર્વમાં રાત્રે 8થી 11ની વચ્ચે આવશે. જ્યારે આવશે ત્યારે વાવાઝોડાની ઝડપ 155થી 165 કિ.મી.ની હશે. હાલ રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. વલસાડથી સૌરાષ્ટ્ર સુધી ભારે વરસાદ પડી શકે છે. વાવાઝોડાની અસર ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાને વધારે થશે. આ ઉપરાંત દક્ષિણ અમદાવાદ, આણંદ અને મોરબીમાં પણ તેની અસર જોવા મળશે.

દીવમાં અંધારપટ, સિટીમાં દરિયાનું પાણી ઘૂસી ગયું
અંતે દીવ અને ઉનાના રસ્તે તાઉતે વાવાઝોડાએ ગુજરાતમાં પ્રવેશ કરી દીધો છે. ઊના અને દીવમાં 130 કિમીની ઝડપે પવન ફુંકાયો છે. ઊના, દીવમાં 300 થી વધુ વક્ષો પડી ગયા છે. અનેક જગ્યાએ વીજપોલ ધરાશાયી થઇ ગયા છે,જેથી અંધારપટ છવાયો હતો. સાંજે 5 વાગ્યાની આસપાસ ઊનામાં 50 કિમીની ઝડપ હતી, જે રાત્રીનાં 9 વાગ્યા સુધીમાં 133 કિમીની થઇ ગઇ હતી. ઉનામાં મોબાઇલ ટાવર તૂટી પડ્યો હતો. દીવમાં બસસ્ટેન્ડ, બંદર ચોક સહિતનાં વિસ્તારમાં દરિયાના પાણી ઘૂસ્યાં હતા.

2 લાખથી વધુ લોકોનું સ્થળાંતર
લોકોને સ્થળાંતર કરવાની મોટી કામગારી પૂર્ણ કરી દેવામાં આવી છે. 5 જિલ્લામાંથી 1 લાખથી વધુ અને રાજ્યમાંથી કુલ 2 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 19 હજાર માછીમારો અને તમામ બોટ પાછી આવી ગઇ છે. 11 હજાર અગરિયાઓનુ સ્થળાંતર કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર મદદ કરી રહી છે. દરેક જિલ્લામાં પ્રભારી મંત્રી, સચિવ અને વધુ પ્રભાવિત જિલ્લામાં એડીજીપી કાર્યરત છે. ફોરેસ્ટ એનર્જી, 108, કન્ટ્રોલ રૂમ એરેન્જ કરાયા છે. કન્ટ્રોલ રૂમની અંદર સેટેલાઇટ ફોન સાથે કનેક્ટિવિટી કરવામાં આવી હોવાનું એડિશનલ ચિફ સેક્રેટરી પંકજ કુમારે જણાવ્યું છે.

ઘરની બહાર ન નીકળવાની પણ અપીલ
લોકોને બે દિવસ સુધી ઘરની બહાર ન નીકળવાની પણ અપીલ કરવામાં આવી છે. વાવાઝોડાના સમયે 15 જેટલા જિલ્લામાં 70થી 175 કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે. રાજ્યમાં દરિયાકાંઠાના અલગ અલગ જિલ્લામાંથી દોઢ લાખ લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. રાજ્યભરમાં બચાવકાર્ય માટે NDRFની 44 ટીમને તૈનાત કરી દેવાઈ છે, જ્યારે SDRFની પણ 6 ટીમને સ્ટેન્ડ બાય રખાઈ છે. તાઉ-તે વાવાઝોડું ગુજરાત તરફ ઝડપભેર આગળ વધી રહ્યું છે. જેની સંભવિત અસર પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર, બોટાદ અને કચ્છમાં થવાની છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતનમાં સુરત, વલસાડ, નવસારી અને ભરૂચના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વાવઝોડાની અસર થઇ શકે છે.

કોરોનાના દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા
તેમણે ઉમેર્યું કે, અસરગ્રસ્ત જિલ્લાઓમા ભારે પવન કે અન્ય કારણોસર વીજ પૂરવઠો ખોરવાય તો તેને પૂર્વવત કરવા માટે 661 ટીમો ઉર્જા વિભાગ દ્વારા તૈનાત છે. જે ચોવીસ કલાક કામગીરી કરી રહી છે. પાવર બ્રેકઅપની 750 જેટલા પ્રશ્નો આવ્યા હતા એ પૈકી 400થી વધુ પ્રશ્નોનું નિરાકરણ કરી વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે. એ જ રીતે નાગરિકોને આરોગ્યલક્ષી સારવાર પૂરી પાડવાના હેતુસર આ વિસ્તારો માટે 388 આરોગ્ય વિભાગની ટીમો તથા અન્ય સંકલનની કામગીરી માટે 319 મહેસુલી અધિકારીઓની ટીમો ત્વરીત પગલાં ભરવા માટે ડીપ્લોય કરવામાં આવી છે. રાજયમાં કોવીડની સ્થિતિની પહોંચી વળવા માટે 1383 પાવરબેક અપ રાખવામાં આવ્યા છે.એટલું નહીં આ વિસ્તારોમા નાગરિકોને આકસ્મિક સારવાર પૂરી પાડવા માટે 161 ICU એબ્યુલન્સ અને 576-108 એબ્યુલન્સ ઉપલબ્ધ કરીને સ્ટેન્ડ બાય કરી દેવાઈ છૈ. કોવિડ ની સારવાર લઈ રહેલા દર્દીઓની ઓક્સિઝન જરૂરીયાતને પહોંચી વળવા માટે તથા ઓક્સિજનનું સરળતાથી વહન થાય તે માટે 35 ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x