ગાંધીનગર

સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરવા અને આ ભીડને જોઈ લાગી રહ્યું છે કે, શરૂ થયેલા વેપાર -ધંધા ફરી બંધ થશે.

ગાંધીનગર :

ગાંધીનગર જિલ્લામાં જીવનજરૂરિયાતની વસ્તુઓ સિવાયના એકાદ મહિનાથી બંધ વેપાર-ધંધા શુક્રવારથી ફરી ધમધમતા થયા હતા. પરંતુ શુક્રવારથી શરૂ થયેલા શાક માર્કેટમાં લોકોના ટોળે-ટોળાં ઉમટી પડ્યાં હતા તેમજ સોશ્યિલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતાં જોવા મળ્યા હતા. આ ભીડને જોઈ લાગી રહ્યું છે કે, શરૂ થયેલા વેપાર -ધંધા ફરી બંધ થશે. શહેરના બજારોમાં દુકાનો ખુલી હતી જોકે જોઈએ તેવી ઘરાકી જોવા મળી ન હતી. કોરોનાના ડર વચ્ચે વેપારીઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા સહિતની બાબતોનું ધ્યાન રાખી રહ્યાં છે. કારણ કે વેપારીઓને ફરી કોરોનાના કેસ વધશે તો ફરી વેપારધંધા બંધ થશે તેવો ડર સંતાવી રહ્યો છે.

વધતાં કેસોને પગલે રાજ્ય સરકારે ગાંધીનગર સહિત શહેરમાં 27 એપ્રિલથી જીવનજરૂરિયાતની વસ્તુઓ સિવાયના વેપાર ધંધા બંધ કરાવી દીધા હતા. જિલ્લામાં કલેક્ટરના હુકમથી 13 એપ્રિલથી પાન-મસાલાના ગલ્લા બંધ હતા. ત્યારે હવે 40 દિવસ પછી પાન-મસાલાના ગલ્લા શરૂ થયા છે. તો બીજી તરફ 24 દિવસ પછી કપડાં, સ્ટેશનરી શોપ, હેર કટીંગ સલૂન સહિતના વેપાર ધંધા શરૂ થયા એકંદરે રોજ કમાઈને રોજ ખાતા નાના વેપારીઓને રાહત થઈ છે. શહેરમાં લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર સવારે 9થી 3 સુધી ખુલ્લા રાખવા અનુમતિ અપાઈ છે. જોકે શૈક્ષણિક સંસ્થાઓ, કોચિંગ સેન્ટરો, થિયેટરો, જાહેર બાગ-બગીચા, જીમ, સ્પા, સ્વિમીંગ પુલ બંધ જ રહેશે. વેપાર-ધંધા શરૂ થતા શહેરના નાના-મોટા વેપારીઓ અને પાનના ગલ્લા અને ચાની કીટલી પર જીવન ગુજારતાં 20 હજારથી વધુ લોકોને રાહત થઈ છે.

નાના વેપારીઓની હાલત કફોડી બની
વેપાર-ધંધા બંધ હોવાથી નાના વેપારીઓ પરેશાન થયા હતા. રોજનું કમાવીને રોજનું ખાતા નાના વેપારીની હાલત કફોડી થઈ ગઈ છે. ત્યારે અડધો દિવસ તો અડધો દિવસ પણ દુકાનો ખોલાતા કઈક અંશે રાહત થઈ છે. સાવચેતી રાખવી પડે તે જરૂરી છે પણ હવે વેપારીઓ પણ શું કરે, ભગવાનને પ્રાર્થના છે કે હવે આ બધુ સારું થઈ જાય તો લોકો સાથે વેપાર-ધંધા બચી જાય.

દુકાનદાર-નાગરિક બંને હજુ ડરેલા છે
સરકારનો નિર્ણય આવકાર દાયક છે પરંતુ લોકો હજી કોરોનાથી ડરેલા છે. તો બીજી બાજુએ આટલા બધા દિવસો પછી દુકાનો ખોલતા વેપારીઓને પણ ડર છે કે, જો ફરી કેસ વધશે તો વેપાર-ધંધા ફરી બંધ ન થઈ જાય. આટલા કલાકના વેપારમાં કોઈ ખાસ ધંધો ન થાય. પરંંતુ આટલા કલાકમાં લોકોને પણ જરૂરી વસ્તુઓ મળી રહે અને વેપારીઓને થોડો વકરો થઈ જાય. > કૃણાલ વ્યાસ, સભ્ય, સેક્ટર-21 વેપારી મંડળ એસોસિએશન

​​​​​​​શાકમાર્કેટમાં થતી ભીડ અને માસ્કના નિયમોનું પાલન કરાવવું જરૂરી છે
કોરોનાના ગમે તેટલા કેસો વધે તો પણ જીવનજરૂરિયાતમાં આવતા શાક માર્કેટને બંધ કરાવી શકાતા નથી. જેને પગલે શાકમાર્કેટમાં થતી ભીડ અને માસ્કના નિમયોનું પાલન કરાવવું જરૂરી છે. કારણ કે કોઈપણ પરિવારનો કોઈ સભ્ય તો માર્કેટમાં શાકભાજી વેચતા વેપારી કે ફેરિયાના સંપર્કમાં આવે છે જ છે. ત્યારે પરોક્ષ રીતે હજારો પરિવારોને બચાવવા શાકમાર્કેટમાં થતી ભીડ પર કાબૂ કરવો ખૂબ જરૂરી છે. શુક્રવારે ભરાયેલા આ બજારની ભીડને જોતાં લાગી રહ્યું છે કે, મળેલી છૂટ ફરી વેપાર-ધંધા બંધ કરાવી શકે છે. કારણ કે , લોકોને સોશ્યિલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમો અનુસરવા જ નથી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x