DRDOએ બનાવી કોરોના એન્ટિબોડી ટેસ્ટિંગ કિટ, ફક્ત રૂ.75 રૂપિયામાં થશેે રિપોર્ટ
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)એ એન્ટિબોડી પરીક્ષણ માટે ડિપ્કોવેન (Dipcovan) કીટ બનાવી છે. DRDOના કહેવા મુજબ આ કીટમાં શરીરમાં સાર્સ-કોવી-2 વાયરસ અને ફાઇટીંગ પ્રોટીન ન્યુક્લિયો કેપ્સિડ (S&N) બંનેની હાજરીની જાણકારી મેળવી શકે છે. તે 97%ની હાઇ સેન્સિટિવિટી અને 99% ની સ્પેસિફિસિટી સાથે માત્ર 75 રૂપિયાના ભાવે 75 મિનિટમાં રિપોર્ટ પણ આપશે.
1000 દર્દીઓ પર ટેસ્ટિંગ કરાયું
દિલ્હીની હોસ્પિટલોમાં આશરે 1000 દર્દીઓ પર પરીક્ષણ કર્યા પછી, તેને માર્કેટમાં મૂકવાની મંજૂરી આપવામાં આવી છે. છેલ્લા એક વર્ષ દરમિયાન આ કિટના ત્રણ બેચમાં હોસ્પિટલોમાં અલગ-અલગ પરીક્ષણ કરવામાં આવ્યા છે. DRDO ની લેબ ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોલોજી અને એલાયડ સાયન્સિસ લેબોરેટરીએ દિલ્હીની એક ખાનગી કંપની વેનગાર્ડ ડાયગ્નોસ્ટિક્સના સહયોગથી આ કિટ તૈયાર કરવામાં આવી છે. એટલે કે તે સંપૂર્ણ સ્વદેશી કિટ છે.
ICMRએ એપ્રિલમાં ડિપ્કોવન કિટને મંજૂરી આપી હતી અને તે જ મહિનામાં ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ તેના નિર્માણ અને બજારમાં વેચવાની મંજૂરી આપી હતી. વેનગાર્ડ લિમિટેડ વ્યાવસાયિક રૂપે જૂનના પહેલા અઠવાડિયામાં આ કિટને બજારમાં ઉતારશે.
લોન્ચિંગ સમયે લગભગ 100 કિટ ઉપલબ્ધ થશે. તેનાથી લગભગ 10 હજાર લોકોનું ટેસ્ટિંગ થશે અને ત્યાર બાદ દર મહિને 500 કિટનું ઉત્પાદન કરવામાં આવશે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે DRDOની આ પહેલની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે આ કિટ કોવિડ મહામારી સામે લડવામાં લોકોને મદદ કરશે.