ગાંધીનગર : જૈન દેરાસરમાં 2.07 મિનિટે મહાવીર સ્વામીની મૂર્તિમાં મોટો ચમત્કાર, જાણો
ગાંધીનગર :
અમદાવાદ – ગાંધીનગર હાઈવે પર મહાવીર જૈન આરાધના કેન્દ્ર ખાતે વર્ષમાં એક જ વાર થતી અલૌકિક ખગોળીય ઘટના જોવા માટે દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે, આજે 22 મે છે ત્યારે ગાંધીનગરના કોબા ખાતે આવેલા મહાવીર જૈન આરાધના ભવનમાં બપોરે 2 કલાક અને 7 મિનિટે સૂર્ય તિલકની અલૌકિક ખગોળીય ઘટના બની છે. આ નજારો વર્ષ 1987થી જોવા મળી રહ્યો છે. તેને જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે. ભગવાન મહાવીર સ્વામીના ભાલે સૂર્ય તિલકનો અદભૂત નજારો જોવા દેશભરમાંથી લોકો આવતા હોય છે. પરંતુ પ્રવર્તમાન સ્થિતિને પગલે દરેકને આ વખતે સોશિયલ મીડિયાના માધ્યમથી જ આ દર્શનનો લાભ મળ્યો છે. ગુચ્છાધિરાજ આચાર્યદેવ કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજના કાળધર્મ દિવસની પુણ્યસ્મૃતિમાં દર વર્ષે 22 મેના બપોરે 2.07 મિનિટે મહાવીરલય જિનપ્રસાદના શિખરમાંથી સૂર્યકિરણ તીર્થના મૂળનાયક મહાવીર સ્વામી ભગવાનના લલાટ પર દેદીપ્યમાન થયા હતા. જોકે, વર્તમાન પરિસ્થિતિને કારણે ભક્તોને આ વખતે આ સ્થાનમાં પધારવાનું નથી અને યૂ ટ્યૂબ ચેનલ મારફતે જીવંત પ્રસારણથી દર્શન કરાવવામાં આવ્યા હતા.
આ દિવસ એ ગુરુ સ્મૃતિનો દિવસ છે. ખાસ કરીને આચાર્ય કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા.નો કાળધર્મ થયા બાદ તેઓને 22 મે ના રોજ બપોરે 2.07 મિનિટે અગ્નિસંસ્કાર અપાયો હતો. ત્યારબાદ રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણા થઈ કે ગુરુ મહારાજની કાયમી સ્મૃતિ રહે અને લોકો પણ તેને યાદ રાખે, જેથી તેઓની પ્રેરણાથી આ કાર્ય નિર્માણ પામ્યું છે. ચોક્કસ દિવસે ચોક્કસ સમયે ભગવાનની પ્રતિમા ઉપર સૂર્યતિલક થાય એવી આ ઘટના સંભવત: માત્ર કોબા જૈન તીર્થ ખાતે જ જોવા મળે છે. આ વર્ષે રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા. સહિત અન્ય સાધુ સાધ્વીજી ઉપસ્થિત રહ્યા હતા.
ઘણાં વર્ષોથી આ સૂર્ય તિલક થાય છે અને હજી સુધી કોઈ વાદળ કે કોઈપણ પ્રાકૃતિક આપદાને કારણે સૂર્ય તિલક ન થયું હોય એવો પ્રસંગ બન્યો નથી. એક વાર એવું બન્યું હતું કે બપોરે વાદળ ઘેરાઈ ગયા હતા અને સૂર્ય દેખાતો બંધ થઈ ગયો હતો. પણ બપોરે 2.05 મિનિટે વાદળ હટી ગયા અને સૂર્ય તિલક થયું. કદાચ આ વિશ્વનું એકમાત્ર જિનાલય કહી શકાય કે જ્યાં આ પ્રમાણે સૂર્ય તિલકનો નજારો જોવા મળે છે. સાથે જ આ અદ્ભૂત ઘટના જીવનમાં યશ, કીર્તિ અને ઉન્નતિકારક બની રહે છે.
આ કોઈ ચમત્કાર નથી પરંતુ શિલ્પ શાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રના સમન્વયથી બનતી ઘટના છે. રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજીની પ્રેરણાથી ગણિતજ્ઞ અરવિંદસાગરજી મહારાજ સાહેબ અને અજયસાગરજી મહારાજ સાહેબે શિલ્પ-ગણિત અને જ્યોતિષ શાસ્ત્રના સમન્વયથી એવી રીતે આ દેરાસરનું નિર્માણ કરાવ્યું છે. જૈનાચાર્ય કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબને અંતિમસંસ્કાર આ દિવસે અને આ સમયે આપવામાં આવ્યા હતા. તેની સ્મૃતિ કાયમી રહે તે હેતુથી આ દિવસ અને સમય પસંદ કરવામાં આવ્યો છે.
આ ઘટના થાય છે તેનું કારણ છે કે સૂર્યની ગતિ નિશ્રિત છે. અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પણ સૂર્ય ક્યારેય વક્ર ગતિ નથી કરતો તે અનુસાર પણ ચોક્કસ સમયે એવી રીતે દેરાસરનું નિર્માણ થયું છે કે દર વર્ષે 22મી મેના રોજ બપોરે 2.07 મિનિટે સૂર્યનું કિરણ ભગવાન મહાવીર સ્વામીના ભાલતિલક પર પ્રકાશી ઉઠે છે. તમને જણાવી દઇએ કે, અહીં જૈનોના ચોવીસમાં તીર્થકર શ્રી મહાવીરસ્વામીની શ્વેત આરસની પદ્માસન મુદ્રાની 41 ઇંચની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાઈ છે.