બ્લેક ફંગસ માટે પ્રાણવાયુ જવાબદાર
કોરોના મહામારી વચ્ચે દેશભરમાં બ્લેક ફંગસ (મ્યુકોરમાઈકોસિસ) રોગના કેસ સતત સામે આવી રહ્યા છે. જેથી દેશના આશરે 15 રાજ્યોમાં આ રોગને મહામારી તરીકે જાહેર કરી દેવાયો છે. આ બીમારીએ લોકોને નવી ચિંતાજનક પરિસ્થિતિમાં મૂકી દીધા છે. તેવામાં આ બીમારીના પ્રસરણ અંગે પણ વિવિધ સવાલો બહાર આવી રહ્યા છે.
શરૂઆતના સમયમાં જણાવાયું હતું કે બ્લેક ફંગસનું મુખ્ય કારણ સ્ટેરોઇડ છે. પરંતુ હવે રોગના પ્રસરણ અંગે દિલ્હીની પ્રખ્યાત હોસ્પિટલ AIIMSના ડૉકટર તથા પ્રોફેસર ઉમા કુમારે નવા સવાલો ઉઠાવ્યા છે. ઉમા કુમારે કહ્યું હતું કે કોરોના સંક્રમિત દર્દીઓને મેડિકલ ઓક્સિજન આપવાની જગ્યાએ ઈન્ડસ્ટ્રીયલ ઓક્સિજન અપાઈ રહ્યો છે. જેના કારણે પણ ઘણી આડઅસરો થઈ શકે છે. જે આ રોગના ઉદ્ભવનું કારણ હોઈ શકે છે. આની સાથે સારવાર દરમિયાન સ્ટરિલાઇઝ વોટરની જગ્યાએ ગંદુ પાણી વાપવાથી પણ આ રોગ ફેલાઈ શકે છે. દર્દીઓ અથવા રોગનો ચેપ લાગ્યો હોય તેવી વ્યક્તિઓ જો ગંદુ માસ્ક પહેરે તો પણ આ રોગ ફેલાઈ શકે છે.
ઓક્સિજનના સપ્લાઇ અંગે સવાલો ઉઠાવ્યા
- તજજ્ઞોએ આ રોગના સંક્રમણ અંગે ઓક્સિજનના પુરવઠા અને સ્વચ્છતા પર સવાલો ઉઠાવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે ઓક્સિજનનું ઉત્પાદન ક્ષેત્ર, તેના સિલિન્ડરો અને સ્ટેરોઇડનો અંધાધુંધ ઉપયોગ મુખ્ય કારણ છે.
- ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવતું પાણી જો નળનું કે પછી દુષિત હોય તો પણ લોકોમાં બ્લેક ફંગસ ફેલાઈ શકે છે.
- ઓક્સિજન પહોંચાડવાની પાઈપ ગંદી હોઇ અથવા સિલિન્ડરો ગંદા હોય તો પણ આ પ્રશ્ન ઉદ્ભવી શકે છે. લિક્વિડ ઓક્સિજનના તમામ જથ્થાને સાફ રાખવા જોઇએ.
- વિશેષજ્ઞોએ જણાવ્યું હતું કે ઓક્સિજન અને સ્ટેરોઇડની દવાઓનો યોગ્ય ઉપયોગ કરવો જોઇએ.
- કોઈપણ સમસ્યાના નિવારણ માટે અંધાધુંધ સ્ટેરોઇડનો ઉપયોગ કરવાનું ટાળવું જોઇએ.
- એન્ટી ફંગલ દવાઓનો અતિશય પ્રયોગ ન કરવો જોઇએ, આ દવાઓ નુકસાન પહોંચાડી શકે છે.
- ઓક્સિજન અને સ્ટરિલાઇઝ વોટર વચ્ચે તફાવત
ઓક્સિજનઃ
હોસ્પટિલોમાં જે ઓક્સિજનનો વપરાશ થાય છે એને મેડિકલ ઓક્સિજન કહેવામાં આવે છે. ઓક્સિજનનું આ સૌથી સુરક્ષિત અને વપરાશ કરવા યોગ્ય રૂપ છે. આની શુદ્ધતા 99.5% હોય છે, જે ઘણી પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. શુદ્ધિકરણ કર્યા પછી આ ઓક્સિજનને પ્રવાહી સ્વરૂપે સિલિન્ડરોમાં સ્ટોર કરવામાં આવે છે. ત્યાંથી હોસ્પિટલ સુધી આ જથ્થાને પહોંચાડીને દર્દીઓને આપવામાં આવે છે. - સ્ટરિલાઇઝ વોટરઃ
આ પાણી કોઈપણ પ્રકારના જીવાણું કે બેક્ટેરિયા વગરનું હોય છે. આ પાણી તબીબી સંશોધનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. જો લેબમાં સંશોધન દરમિયાન પાણી સ્ટરિલાઇઝના હોય તો પ્રયોગની સાથે સંશોધન કરનારના સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચી શકે છે. તેથી જ મેડિકલ ઓક્સિજનનું ઉત્પાદન પણ સ્ટરિલાઇઝ પાણીથી થાય એનો આગ્રહ રાખવામાં આવે છે. -
સ્ટેરોઇડ કેવી રીતે જોખમને વધારે છે?
બ્લેક ફંગસ ફેલાવાનું પ્રાથમિક કારણ સ્ટેરોઇડ હતું. તમને જણાવી દઈએ કે અત્યારે કોરોને નાથવા માટે લોકો હદથી વધારે સ્ટેરોઈડનો ઉપયોગ પણ કરતા હોય છે. ડૉકટરની સલાહ લીધા વગર લોકો મનફાવે તેમ દવાઓનું સેવન કરતા રહે તો પણ આ બીમારીનો ભોગ બની શકે છે. આ કારણને પણ બ્લેક ફંગસના કહેરને વધુ પ્રસરણ પામવા માટે મુખ્ય અને અગ્રગણ્ય જણાવવામાં આવે છે. સ્ટેરોઈડ અને અન્ય એન્ટિ ફંગલ દવાઓની આડઅસર પણ ઘાતક સાબિત થઇ શકે છે. આની સાથે ડાયાબિટીસ અને કેન્સરના પેશન્ટને પણ આ રોગ સંક્રમિત કરી શકે છે.બ્લેક ફંગસ શું છે?
- બ્લેક ફંગસનું સંક્રમણ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ફેલાવાનું જોખમ વધારે હોય છે.
- કોરોના મહામારીને પરિણામે લોકોની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થયો છે. જેથી લોકો આનો ભોગ બની રહ્યા છે.
- પહેલા આ બીમારી કીમોથેરેપી, અનિંયત્રિત શુગર, કોઈપણ પ્રકારનું ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવ્યું હોય તેવા વ્યક્તિને જ થતી હતી.
આવી રીતે બ્લેક ફંગસનું સંક્રમણ ફેલાય છે
આ બીમારી મ્યુકોરમાઇકોસિસ નામની ફૂગથી ફેલાય છે. આ ફૂગ નાક દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે. આમ જોવા જઇએ તો આ ફૂગ હવામાં હોય છે અને નાક દ્વારા શ્વાસમાં જાય છે. શરીરના ઈજાગ્રસ્ત અંગો પણ જો આ ફૂગના સંપર્કમાં આવે તો ચેપ લાગી શકે છે. નાક આના પ્રવેશ કરવાનો મુખ્ય દ્વાર છે, ત્યારપછી તે શરીરના વિવિધ અંગો પર આક્રમણ કરે છે.