બીજો ડોઝ ન લીધો હોવા છતાં મોબાઇલ પર રસી લીધાનું નોટીફીકેશન
ગારિયાધાર :
એક તરફ વેક્સીનની અછત છે અને બીજી તરફ બીજા ડોઝ માટે ૮૪ દિવસની સમય મર્યાદા કોવિશીલ્ડમાં કરાઇ છે ત્યારે લોકો પણ વેક્સીન લેવા રજીસ્ટ્રેશનની જટીલ પ્રક્રિયામાંથી પસાર થવું છે. આવી સ્થિતિમાં ગારિયાધારના એક યુવાનને બીજો ડોઝ ન લીધો હોવા છતાં મોબાઇલ પર રસી લીધાનું નોટીફીકેશન આવી જતા બેદરકારી છતી થવા પામી હતી.
ગારિયાધાર શહેરમાં કોરોના મહામારીના સેકન્ડ વેવ કે જેમાં ઘણાખરા લોકોએ પોતાના સ્વજનો ખોયા છે. વળી મહામારીને અંકુશમાં લાવવા તથા કોરોનાથી બચવા અતિ મહત્વનું પગલું છે વેક્સીન જે બાબતે તંત્ર દ્વારા વેક્સીનેશનનો કાર્યક્રમ અત્રે ચાલુ છે. પરંતુ તેમાં પણ તંત્રનો બફાટ નગરજનો સમક્ષ રજૂ થઇ ગયો જેમાં એક અરજદારને વેક્સીનનો બીજો ડોઝ ન લીધો હોવા છતાં તંત્ર દ્વારા એસ.એમ.એસ.થી જાણ કરાઇ કે તમોને વેક્સીન અપાઇ ગઇ છે. વળી આ પ્રક્રિયા જ્યારે વેક્સીન અપાઇ જાય ત્યારબાદ મેસેજથી કરાતી હોય છે ત્યારે આવી સ્થિતિમાં અરજદાર વેક્સીન કેન્દ્ર પર હતા જ નહીં તો તંત્ર દ્વારા કઇ રીતે આ કામગીરી થઇ હશે ? ઉપરાંત અરજદાર પોતે શિક્ષિત હોઇ તેમના દ્વારા કેન્દ્ર પર તપાસ પણ કરાયાનું જાણવા મળેલ તો વધુ એક ઘટસ્ફોટ થયો કે જે નર્સ દ્વારા વેક્સીન અપાયાનો મેસેજ હતો તે નર્સ તો છેલ્લા દસેક દિવસથી રજા પર હતા. આ ઉપરાંત અન્ય ઘણા નાગરિકોને આ રીતનો તંત્રનો છબરડો પ્રાપ્ત થયો હોવાનું પણ સુત્રો દ્વારા જાણવા મળેલ છે.
જ્યારે હાલના દિવસોમાં તંત્ર ભલે ગમે તેટલી સફળ કામગીરીની ડંફાસો મારી રહેલ હોય પરંતુ ક્યાંકને ક્યાંક આવા છબરડાઓ કે જે લોકોના આરોગ્યને સીધી અસર કરતું હોય અને પરિણામે નાગરિકોને માત્ર ધરમધક્કા થાય છે. જ્યારે ઉપરોક્ત મામલે અરજદાર દ્વારા ઉચ્ચકક્ષા સુધી ઓનલાઇન રજૂઆતો પણ થઇ ગયેલ છે જેથી તેને બીજો ડોઝ મળી શકે.