ગુજરાતના વેપારીઓ પીએમ મોદીના રૂટ ઉપર સૂઈને GST નો વિરોધ કરશે: IB
June 29, 2017
Gujarat businessmen will oppose the GST on PM Modi’s route: IB
અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ગુજરાતના કાપડના અને ટેક્સટાઇલના વેપારીઓ GST ના મામલે વિરોધ કરે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ મામલે ઈન્ટેલીજન્સ બ્યુરો દ્વારા પોલીસને મેસેજ મોકલવામાં આવ્યો છે. આ મેસેજના પગલે અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર અને મોડાસા ખાતે યોજાનારા પીએમ નરેન્દ્ર મોદીના કાર્યક્રમ સ્થળો, પ્રવાસના તમામ રૂટ પરની સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક કરી દેવામાં આવી છે.
આ અંગે ઇન્ટેલિજન્સ બ્યૂરોના સૂત્રોના જણાવ્યા મુજબ, દેશભરના તમામ વેપારી સંગઠનો GST નો વિરોધ કરી રહ્યાં છે. તા. ૨૯મી જૂન એટલે કે આજથી પીએમ મોદી બે દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે. જેમાં રાજકોટ ખાતે તેમનો રોડ-શૉ, આજી ડેમમાં નર્મદાના નીરનું અવતરણનો કાર્યક્રમ, દીવ્યાંગોને ટુલ કીટનું વિતરણ કરવાનો કાર્યક્રમ, અમદાવાદમાં ગાંધી આશ્રમ, મણિનગરના કાર્યક્રમો, મોડાસા તેમજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સહિતના કાર્યક્રમો યોજાશે.
પીએમ મોદીનાં મુલાકાત સ્થળોના રૂટ પર અમદાવાદ, સુરત સહિતના કાપડ અને ટેક્સટાઇલના વેપારીઓ વિરોધ પ્રદર્શન કરશે, તેવી દહેશત ઈન્ટેલીજન્સ બ્યુરો (આઈબી) દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આઇબીની આ દહેશતની પોલીસે ભારે ગંભીરતાથી નોંધ લીધી છે.
આ મેસેજ મુજબ વેપારીઓ અમદાવાદ ખાતેના કાર્યક્રમોમાં પીએમ નરેન્દ્ર મોદીનો વિરોધ કરે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે. જેને અનુલક્ષીને અમદાવાદ એરપોર્ટથી શાહીબાગ એનએક્સી સર્કીટ હાઉસ અને ગાંધી આશ્રમ સુધીના રોડ ઉપરની સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક કરી દેવામાં આવી છે.