ગુજરાત

વિસાવદરમાં કૃષિ માટે વીજ પાવર ચાલુ કરવા ખેડૂતો બન્યા ‘આત્મનિર્ભર’, ખુદ ધારાસભ્ય હર્ષદ રિબડીયા પણ જોડાયા

વિસાવદર :

વાવાઝોડાને કારણે બાર બાર દિવસથી ખેતીવાડીમાં વીજળી નથી, જેથી ત્રાહિમામ થઈ ગયેલા ખેડૂતો અને નેતાઓએ મળી વીજપોલ ઊભા કરવા દોરડા ખેંચવા પડી રહ્યા છે. વાવાઝોડાના કારણે પડી ગયેલા વીજપોલ અને વીજલાઈન રીપેરીંગ કરવા માટે પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરના શ્રમિકોએ આ કામગીરી કરવાની હોય છે. પરંતુ વિસાવદરમાં આ તમામ કામ ખુદ ખેડૂતો કરવા મજબૂર બન્યા છે. મજબૂર જગતનો તાત અને તેની સાથે વિસાવદરના ધારાસભ્ય કે જેવો ખેતરોમાં દસ દસ દિવસથી ભોગવી રહ્યા છે. ગત ૧૭ તારીખે આવેલા વાવાઝોડામાં વિસાવદર પંથકમાં હજારો વીજપોલ ધરાશાયી થઇ ગયા અને વિસાવદરના ખેતીવાડી તો ઠીક પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ અંધારપટ થઈ ગયો હતો. ધીમે ધીમે ગ્રામ્ય વિસ્તારોમાં જ્યોતિગ્રામનો વીજપુરવઠો શરૂ થયો, પરંતુ હવે ખેતીવાડીમાં વીજપુરવઠો શરૂ કરવા માટે વીજતંત્ર પાસે જે સ્ટાફ અને મજૂરોની વ્યવસ્થા છે તે મુજબ કામગીરી થાય તો એકાદ મહિના સુધી વિસાવદરના ગ્રામ્ય વિસ્તારોના ખેતીવાડી ફિડરોમાં લાઈટ આવે તેવી કોઈ શક્યતા ન હતી. જેથી ખેડૂતોએ જાત મહેનત જિંદાબાદ તેમ માની વીજતંત્રની કામગીરી ખુદ ખેડૂતો અને નેતાઓ કરવા લાગ્યા છે.

વિસાવદરના અલગ-અલગ ફિડરો નીચે આવતા ખેડૂતોએ સાથે મળીને પોતપોતાના ફીડર દીઠ દરેક ખેતર દીઠ એકથી બે ખેડૂતોને ફરજિયાત વીજપોલ અને વીજ લાઈન ઊભી કરવામાં મદદરૂપ થવાનુ તેવા નિર્ધાર સાથે કામગીરી શરૂ કરી છે. વિસાવદર પંથકનાં ખેડૂતો હવે ખુદ જાગૃત બની ગયા અને વીજ તંત્રના અધિકારીઓ કહે ત્યાંથી પોતાના ટ્રેક્ટર પોતાનું ડીઝલ બાળી કિલોમીટર સુધી જઈ વીજ પોલ પોતાના ખેતરો સુધી લઈ આવે અને અને બાદમાં પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરના ટ્રેક્ટરના મશીન દ્વારા કરવામાં આવેલા ખાડામાં વીજ પોલને ઉભો કરી દે છે. ત્યારબાદ તેમાં જરૂરી વાયર લગાવી તેને પણ ખેંચી દે છે. કેમકે તેની મજબૂરી છે. જો તેને મદદ ન કરે તો દિવસો સુધી વીજળી શરૂ ન થાય જેથી પોતાના ખેતરે રહેતા માલઢોર શ્રમિકો અને ખેડૂતોને વેચાતું પાણી લેવા મજબૂર બનવું પડે છે અને આ કામગીરીમાં ખુદ વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયા પણ જોડાઈ ગયા છે. ગામડાઓમાં જે ફીડરમાં કામગીરી ચાલતી હોય ત્યાં નિરીક્ષણ માટે ગયાં હોય તો ખેડૂતોને ધારાસભ્ય મટી એક ખેડૂતના દીકરા તરીકે દોરડા ખેંચવા મદદરૂપ થઈ રહ્યા છે.

એક ફીડરમાં માત્ર બે કોન્ટ્રાક્ટરના મજૂરો અને એકાદ બે કર્મચારી હોય છે. જ્યારે ૪૦થી ૫૦ જેટલા ખેડૂતો વીજળી ની સેવા પૂર્વવત કરવા મદદરૂપ બની રહ્યા હોવાનું ખુદ પીજીવીસીએલના કોન્ટ્રાક્ટર પણ સ્વીકારી રહ્યા છે. ખેડૂતો સમજી ગયા છે કે સરકારના ભરોસે ન રહેવાય, જો ભરોસે રહીએ તો કેટલાય દિવસ પાણી અને વીજળી વગર તડપવું પડે, તેના કરતા જાત મહેનત જિંદાબાદ બહેતર છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x