કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે તેની ગ્રાન્ટમાંથી આઇસીયુ એમ્બ્યુલન્સ અને મેડિકલ સાધનો માટે વધુ 27 લાખ ફાળવ્યાં
ગાંધીનગર:
કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને ધારાસભ્યોએ પોતાની ગ્રાન્ટ આરોગ્યક્ષેત્રે ફાળવવાનું નક્કી કર્યું છે જે અંતર્ગત અગાઉ ઓક્સિજન પ્લાન્ટ અને એમ્બ્યુલન્સવાન સહિતના સાધનો માટે ગ્રાન્ટ ફાળવ્યા બાદ કલોલના ધારાસભ્યએ રેડક્રોસ સોસાયટીને બ્લડબેન્કમાં સાધનો વસાવવા માટે પાંચ લાખ તથા આઇસીયુ એમ્બ્યુલન્સવાન ખરીદી માટે લાયન્સ કલબને રર લાખ રૂપિયા ફાળવ્યાં છે.
કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે કોંગ્રેસના ૬૫ ધારાસભ્યોએ પોતાની ગ્રાન્ટ એમ્બ્યુલન્સવાન અને આરોગ્યના સાધનો માટે ફાળવ્યા છે. જેમ જેમ જરૂરીયાત જણાતી જાય છે તેમ તેમ ધારાસભ્ય દ્વારા પોતાના વિસ્તારમાં એમએલએની વર્ષ ૨૦૨૧-૨૨ની ગ્રાન્ટમાંથી જોગવાઇ કરવામાં આવી રહી છે. ગાંધીનગરના કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર દ્વારા અગાઉ ગુરુકુલમાં ઓક્સિજન માટે પ્લાન્ટ માટે, લેબોરેટરીના સાધનો માટે એમ્બ્યુલન્સવાન માટે માતબર રકમની ગ્રાન્ટ ફાળવી હતી. ત્યારે જરૂરીયાત જણાતાં વધુ ૨૭ લાખ રૂપિયા આરોગ્યક્ષેત્રે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને લાયન્સ કલબ જેવી સંસ્થાને ફાળવ્યાં છે. આ અંગે ધારાસભ્ય બળદેવજી ઠાકોરે જણાવ્યું હતું કે, કલોલ ખાતે કામ કરતી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સંસ્થાને બ્લડબેન્કમાં કીટ, બ્લડબેગ તથા અન્ય સાધનો વસાવવા માટે પાંચ લાખ રૂપિયા ફાળવ્યાં છે. આ ઉપરાંત લાયન્સ કલબ ઓફ કલોલ મેઇન પરિવારને એમ્બ્યુલન્સ વીથ આઇસીયુ વાનની ખરીદી માટે રૂપિયા ૨૨ લાખની ગ્રાન્ટ આપવામાં આવી છે. આ અંગે જિલ્લા આયોજન અધિકારીને પત્ર લખીને ગ્રાન્ટ આપવા માટે સુચન કરાયું છે.