ગાંધીનગરગુજરાત

સ્કુલ ખુલતા પહેલા એની ફાયર NOCની તપાસ કરો, સરકારે 20 વર્ષમાં ફાયર NOC અને BU માટે શું કર્યું? : હાઈકોર્ટે

અમદવાદઃ

ગુજરાતમાં ફાયર સેફ્ટી માટે આજે હાઈકોર્ટમાં દાખલ થયેલી સુઓમોટો અરજી પર સુનાવણી શરૂ થઈ છે, જેમાં હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પૂરતી વિગતો રજૂ નહીં કરી હોવાની અરજદારની રજૂઆત બાદ કોર્ટે તીખી ટકોર કરી હતી. હાઇકોર્ટે કોર્પોરેશનને કડક શબ્દોમાં કહી દીધું હતું કે BU પરમિશન વગરની તમામ જગ્યાએ કાર્યવાહી કરો, કોઈ અણબનાવ બને એની રાહ જોવાની છે? માત્ર ફાયર NOC પર નહીં, BU પરમિશન પર પણ ભાર મૂકો.

હાઇકોર્ટે વધુમાં કહ્યું, તમે કહો છો કે અમે ધ્યાનમાં લીધું છે, તો છેલ્લાં 20 વર્ષથી શું કર્યું એ કહો ને? અમે કહીએ એટલે જ કાર્યવાહી કરવાની કે કોઇ PIL ન કરે ત્યાં સુધી કંઈ નહીં કરવાનું? તમારે આ બાબતે નાગરિકોની ભૂલ હોય તો તેમના પર પણ કાર્યવાહી કરો. સ્કૂલ ખૂલતાં પહેલાં એની ફાયર NOCની તપાસ કરો અને BU પરમિશન પણ છે કે નહીં એ તપાસો. તમામ હોસ્પિટલમાં ફાયર NOC ફરજિયાત જોઈએ. હાઇકોર્ટે વધુમાં કહ્યું, હોસ્પિટલને કહો કે હોસ્પિટલની બહાર એક બોર્ડ લગાવે કે અમારી જોડે ફાયર NOC નથી, પછી જુઓ કોણ એડમિટ થાય છે? આ બધી બાબત તમને સજેસ્ટ કરવા માટે અમારે કહેવું પડે છે, તમારી જોડે સારા ઓફિસર છે તો તેમની સલાહ લો અને આ બધી વ્યવસ્થા કરાવો.

હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ઝાટકણી કાઢતાં કહ્યું, માત્ર ખાનગી રહેણાક, ઉદ્યોગગૃહો અને કોમર્શિયલ બિલ્ડિંગની વિગતો પૂરતી નહીં હોય, સરકારી ઇમારતો અને સરકારી શાળાઓની ફાયર સેફ્ટી અંગેની વિગતો પણ તમારે રજૂ કરવી પડશે. હાઈકોર્ટે વધુમાં કહ્યું, તમે જ કહો છો કે તમામ બિલ્ડિંગને લગતી વિગતો ઘણાંબધાં સેંકડો પાનાંમાં હશે. એનો મતલબ એ છે કે તમારા અધિકારીઓએ કોર્ટના અગાઉના આદેશોનું પાલન કરવાની તસદી લીધી નથી. ગેરકાયદે વપરાશકર્તાઓ પાસે ટેક્સ ઉઘરાવો છો, તો શું તમને ખબર નથી કે બિલ્ડિંગ અસ્તિત્વમાં છે અને તેની જોડે બિલ્ડિંગ વપરાશની પરમિશન નથી?

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x