ગુજરાત બોર્ડની ધો.12ની પરીક્ષા થઇ શકે છે રદ. આજે સત્તાવાર જાહેરાત થવાની શક્યતા
ગાંધીનગર :
દેશમાં કોરોના વાયરસની બીજી લહેરના કારણે CBSEની ધોરણ 12ની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં પરીક્ષાને લઈને યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં સીબીએસઇના અધ્યક્ષ પણ ભાગ લીધો હતો. આ બેઠકમાં પ્રધાનમંત્રીને પરીક્ષાના તમામ વિકલ્પો વિશે માહિતી આપવામાં આવી હતી, જેમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં વિવિધ રાજ્યો અને હોદ્દેદારો સાથેની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ વર્ચ્યુઅલ મીટિંગમાં શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ નિશંક ઉપરાંત તમામ રાજ્યોના શિક્ષણ પ્રધાનો અને શિક્ષણ સચિવોએ ભાગ લીધો હતો. બેઠકમાં શિક્ષણ પ્રધાન નિશંકે રાજ્યોને 25 મે સુધી તેમના સૂચનો આપવા તાકીદ કરી હતી.
PM મોદીના આ નિર્ણય બાદ હવે ગુજરાતના મુખ્યમંત્રી સાથે શિક્ષણમંત્રીએ પણ બેઠક યોજી છે. ગુજરાતમાં પણ હાઇપાવરની મિટિંગ ચાલી રહી છે અને આ મિટિંગમા પણ ગુજરાતમાં ધોરણ 12ની પરીક્ષા રદ કરવી કે નહી તે અંગે ચર્ચા ચાલી રહી છે.
જણાવી દઇએ કે, ગુજરાતમાં આજે ધોરણ 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થયો છે. ત્યારે હવે PM મોદીના વિદ્યાર્થીઓના હિતમાં લીધેલા નિર્ણયથી ગુજરાત સરકાર શું નિર્ણય લે છે તેના પર તમામ લોકોનું ધ્યાન છે. પ્રધાનમંત્રીએ CBSEની ધોરણ 12ની પરીક્ષાઓ રદ કરવાની જાહેરાત બાદ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય અમારી પ્રાથમિકતા છે. વિદ્યાર્થીઓની સુરક્ષા, સ્વાસ્થ્ય અમારી પ્રાથમિકતા છે. આ સ્થિતિમાં બાળકોને તણાવ આપવો અયોગ્ય છે.