શ્રીલંકા સામે જુલાઈમાં ત્રણ T-20 અને ત્રણ વનડે મેચ રમશે
ભારતીય ટીમનો શ્રીલંકા ટૂરનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. બંને ટીમ 3 વનડે મેચની શ્રેણી રમશે. આ મેચ 13, 16 અને 18 જુલાઈના રોજ યોજાશે. ત્યાર પછી 21, 23 અને 25 જુલાઈના રોજ 3 T-20 મેચની શ્રેણી રમશે. નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)એ ડાયરેક્ટર રાહુલ દ્રવિડ કેપ્ટન તરીકે ભારતીય ટીમ સાથે શ્રીલંકાના પ્રવાસમાં જોડાઈ શકે છે.
આ બંને શ્રેણીમાં ઈંગ્લેન્ડ ટૂરમાં પસંદગી પામ્યો હોય તેવા ખેલાડીઓ ભાગ લેશે નહીં, કારણ કે ભારતીય ટીમ 18 જૂનના રોજ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભાગ લેશે, જેના માટે મુખ્ય ટીમ ઈંગ્લેન્ડમાં ચુસ્ત બાયો-બબલ અંતર્ગત રહેશે. WTC ફાઈનલ બાદ ભારતીય ટીમના ખેલાડીઓની એજ ટીમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 ટેસ્ટ મેચની શ્રેણી માટે પણ પ્રેક્ટિસ આરંભી દેશે.
બંને શ્રેણી માટે અલગ-અલગ ટીમ
આની પહેલાં BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે અમે સિનિયર પુરુષ ટીમ માટે જુલાઈમાં વ્હાઈટ બોલની શ્રેણીની યોજના તૈયાર કરી છે. ભારતીય ટીમ શ્રીલંકામાં વનડે અને T-20 મેચ રમશે. આ બંને શ્રેણી માટે અમે અલગ જ ટીમની પસંદગી કરવા જઈ રહ્યા છીએ, જેમાં મુખ્ય હેડકોચ રવિ શાસ્ત્રી અને ટીમ ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે.
દ્રવિડને કોચિંગની જવાબદારી સોંપાશે
એવામાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડની શ્રીલંકાના પ્રવાસની ટીમ ઈન્ડિયાના કોચ તરીકે પસંદગી કરાઈ શકે છે. BCCI ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર જાહેરાત પણ કરી શકે છે. આમ, બીજી વેળા રાહુલ દ્રવિડ એક કોચ તરીકે ભારતીય ટીમ સાથે જોડાઈ શકે છે. 2014માં ઈંગ્લેન્ડ ટૂર પર રાહુલ દ્રવિડને બેટિંગ કન્સલ્ટન્ટ બનાવ્યો હતો. આની સાથે તેઓ ઈન્ડિયાની અંડર-19 અને ઈન્ડિયા-A ટીમનો પણ કોચ રહી ચૂક્યો છે.
યુવા ખેલાડીઓને તક અપાશે
BCCI આ શ્રેણીને ઓક્ટોબરમાં યોજાનારા T-20 વર્લ્ડ કપની સાથે જોડીને જોઈ રહી છે. ભારતની મુખ્ય ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસે હોવાથી શ્રીલંકા ટૂરની ટીમને બોર્ડ દ્વારા આગામી વર્લ્ડ કપ માટે તૈયાર કરવાની યોજના બનાવી છે, જેમાં મુખ્યત્વે યુવા ખેલાડીઓને પ્રદર્શન દાખવવાની તક આપવામાં આવશે.
ભારતની સંભવિત ટીમ
ટીમમાં શિખર ધવન, પૃથ્વી શૉ, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન અને ઈશાન કિશન જેવા ખેલાડીઓ સામેલ થઈ શકે છે. આના સિવાય દેવદત્ત પડ્ડિકલ અને ઋતુરાજ ગાયકવાડને પણ તક મળી શકે છે. બોલર્સમાં કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, ભુવનેશ્વર કુમાર, ચેતન સાકરિયા, દીપક ચહર, ખલીલ અહેમદ અને નવદીપ સૈનીને તક મળી શકે છે.
ભારતીય ટીમનો ઈંગ્લેન્ડ પ્રવાસ 14 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે
ભારતીય ટીમ WTC ફાઈનલ 18-22 જૂન પછી, ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 ટેસ્ટ મેચની શ્રેણી પણ રમશે, જેથી સમગ્ર ટીમ ઈંગ્લેન્ડમાં ધામા નાખવાની છે. ભારતીય ટીમનો ઈંગ્લેન્ડ પ્રવાસ 14 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે.