કોરોના સંક્રમણમાં ઘટાડો થતા હવે શહેરના તમામ ઉધાનો સવારે ૬ થી સાંજે ૭ કલાક સુધી ચાલુ રહેશે
ગાંધીનગર:
છેલ્લા એક વર્ષથી સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે પ્રથમ લહેરમાં વિવિધ પ્રતિબંધો લગાવીને સંક્રમણ અટકે તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પરિસ્થિતિ નિયંત્રણમાં આવતાં નિયમોને પણ હળવા કરીને તમામ વેપાર ધંધા સહિત પર્યટન સ્થળોને ખોલવામાં આવ્યા હતાં. તો બીજી તરફ માર્ચ માસના અંતિમ દિવસોમાં કોરોનાની ઘાતક બનેલી બીજી લહેર શરૃ થતાં લોકોમાં પણ ફફડાટ ફેલાયો હતો. તો સંક્રમણ વધી જતાં સ્થાનિક કક્ષાએ નિર્ણયો લઇને પ્રતિબંધ મુકવામાં આવ્યા હતાં. ત્યારે ગાંધીનગર શહેરમાં આવેલાં તમામ ઉદ્યાનોમાં ભીડ ભેગી ન થાય તે માટે પરિસ્થિતિને ધ્યાને રાખી મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યા હતાં.
શહેરમાં આવેલાં ઉદ્યાનોમાં સવારે અને સાંજના સમયે મોટી સંખ્યામાં નગરજનો શરીરનું સ્વાસ્થ્ય જળવાય તે માટે મોર્નીંગ અને ઇવનીંગ વોક સહિત રમત-ગમતની પ્રવૃત્તિ માટે પણ એકઠા થતાં હોય છે. આમ કોરોનાના પગલે આ પ્રવૃત્તિમાં પણ રોક લાગી હતી. હવે જ્યારે પરિસ્થિતિ નિયંત્રણમાં આવી છે ત્યારે સરકારની કોરકમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, તા.૧૧ જુનથી નિયંત્રણો હળવા કરવામાં આવશે જે અંતર્ગત શહેરમાં આવેલાં ઉદ્યાનો સવારે ૬ થી સાંજે ૭ કલાક સુધી ચાલુ રહેશે. તો બીજી તરફ ૫૦ ટકાની કેપેસીટી સાથે એસઓપીનું પાલન કરીને જીમ્નેશિયમને ખોલવાની મંજુરી પણ અપાઇ છે.