“મા અમૃતમ્ વાત્સલ્ય કાર્ડ” સરકારી હોસ્પિટલમાંથી કઢાવી શકાશે
ગાંધીનગર
કોરોના કાળમાં દર્દીઓની સારવાર માટે મા કાર્ડ દ્વારા લોકોને સસ્તી સારવાર મળી રહી છે. તે ઉપરાંત સંક્રમણની પરિસ્થિતિને જાેતાં આવકના દાખલા કઢાવવાની મુશ્કેલીને ધ્યાને લઈને રાજ્યના આરોગ્ય વિભાગે ગઈકાલે મા કાર્ડની મુદ્દત આગામી ૩૧મી જુલાઈ સુધી લંબાવવાનો ર્નિણય કર્યો હતો. ત્યારે હવે સરકારી હોસ્પિટલોમાં નવા મા કાર્ડ બનાવવા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જેથી બધા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળી શકે.
નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, રાજયના નાગરિકોને આકસ્મિક સંજાેગોમા તથા ગંભીર બીમારીઓ સામે ત્વરિત સારવાર પુરી પાડવા માટે રાજય સરકારે “મા-અમૃતમ વાત્સલ્ય” યોજના કાર્યરત છે જેમા લાભાર્થીઓને આખા પરિવારદીઠ એક કાર્ડના બદલે હવે દરેક લાભાર્થીને વ્યક્તિગત ઓળખકાર્ડ આપવાનો આરોગ્ય વિભાગ દ્વારા મહત્વનો ર્નિણય કરાયો છે. તેમણે ઉમેર્યુ કે, મા/મા વાત્સલ્ય કાર્ડ નાગરિકોને હવે સરકારી હોસ્પિટલોમાંથી બનાવી આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા “આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના”, “મા” યોજના અને “મા વાત્સલ્ય” યોજના અંતર્ગત નિયત માપદંડો ધરાવતા પરિવારોને કુટુંબદીઠ વાર્ષિક રૂપિયા પાંચ લાખ સુધીનું આરોગ્ય કવચ વિનામૂલ્ય પૂરું પાડવામાં આવે છે. મા-મા વાત્સલ્ય કાર્ડ ધરાવતા લાભાર્થીઓ યોજના અંતર્ગત જાેડાયેલી, માન્યતા મેળવેલી કોઇપણ સરકારી/ટ્રસ્ટ સંચાલિત અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવી શકે છે.
સરકારની જાેગવાઈઓ મુજબ સમગ્ર રાજ્યમાં “મા – અમૃતમ્” અને “મા – અમૃતમ્ વાત્સલ્ય” યોજનાના લાભાર્થીઓને અગાઉ આખા પરિવારદીઠ એક કાર્ડ આપવામાં આવતું હતું. તેના બદલે હવે દરેક લાભાર્થીને વ્યક્તિગત ઓળખકાર્ડ આપવામાં આવશે. દા.ત. એક પરિવારમાં પાંચ વ્યક્તિ હોય તો આ પહેલાં પાંચ વ્યક્તિ વચ્ચે એક જ કાર્ડ હતું. હવે પરિવારના પાંચ જણને અલગ-અલગ વ્યક્તિગત કાર્ડ આપવામાં આવશે, જેથી સારવાર મેળવવામાં સરળતા રહેશે.
તેમણે ઉમેર્યુ કે, હાલમાં રાજ્યની સરકારી હોસ્પિટલ, સામુહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં નવા કાર્ડ કાઢવાનું શરૂ કરી દેવામાં આવ્યુ છે. તેથી બધા લાભાર્થીઓ નવા કાર્ડ આ હોસ્પિટલોમાંથી કઢાવી શકશે. જ્યાં સુધી નવું કાર્ડ કાઢવામાં ના આવે ત્યાં સુધી જૂના કાર્ડ પરનો લાભ પહેલાંની જેમ જ ચાલુ રહેશે. જેથી કોઇની સારવાર અટકશે નહીં. “મા” યોજનાના દરેક લાભાર્થીઓએ હવે નવું કાર્ડ તાત્કાલિક મેળવી લેવા અનુરોધ છે જેથી જરૂરિયાત પ્રમાણે ૫ લાખ સુધીની સારવાર વિનામૂલ્ય મેળવી શકે તેમ તેમણે ઉમેર્યુ હતું.