ગુજરાત

હોટેલ-રેસ્ટોરા આજથી ધમધમતા થશે

છેલ્લા 44 દિવસથી ગ્રાહકો વગર જ ચાલતા હોટેલ-રેસ્ટોરા આજથી ધમધમતા થશે બીજી તરફ ભક્તો વગર સુના પહેલાં મંદિરોમાં પણ આજથી ભક્તોને પ્રવેશ અપાશે. હોટેલ-રેસ્ટોરાં સવારે 9થી સાંજે 7 સુધી બેસવાની ક્ષમતાના 50 ટકા ગ્રાહકો પાસે ચાલુ રાખી શકાશે. જ્યારે ટેકઅવે સુવિધા રાત્રે 9 વાગ્યા સુધી અને હોમ ડિલિવરી રાત્રે 12 વાગ્યા સુધી કરી કરાશે. જીમ પણ 50 ટકા ક્ષમતા સાથે આજથી શરૂ થઈ રહ્યાં છે.

આ સિવાયની તમામ દુકાનો, વાણિજ્યિક એકમો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટયાર્ડ, હેર કટિંગ સલૂન, બ્યુટી પાર્લરના સમયમાં એક કલાકોનો વધારો કરતાં આજથી વેપાર-ધંધા સવારે 9થી સાંજે 7 સુધી ખુલ્લા રહેશે. ધીરે-ધીરે હોટેલ, રેસ્ટોરાં, જિમ સહિતના વેપાર માંડ બેઠા થયા હતા ત્યારે કોરોનાની બીજી લહેર ચાલુ થઈ હતી. સતત કેસો વધતાં સરકારે 28 એપ્રિલથી જીવન જરૂરિયાત સિવાયના તમામ વેપારધંધા બંધ કરાવ્યા હતા. જેના 24 દિવસ પછી 21 મેથી લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર સવારે 9થી 3 સુધી ખુલ્લા રાખવા અનુમતિ અપાઈ હતી, જે બાદ તેમાં ત્રણ કલાકનો સમય વધારાયો હતો. જોકે 28 એપ્રિલથી બંધ હોટેલ-રેસ્ટોરાં, જિમ અને મંદિરો આજથી શરૂ થયા છે.

શહેરની સિટી બસ સેવા 14 જૂનથી શરૂ
કોરોના કેસો ઘટતા એસટી સહિતની બસોમાં 60 ટકા સ્ટાફ સાથે છૂટ આપવામાં આવી છે. જોકે ગાંધીનગર શહેરના નાગરિકો માટે આશિર્વાદરૂપ ગણાતી સિટીબસ સેવા પણ 14 જૂનથી શરૂ થશે. જેને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં જવા માટે શટલીયાઓમાં બમણાં ભાડા ચુકવીને જતાં નાગરિકોને મોટી રાહત થશે.

જિલ્લાનાં કયાં- કયાંં મંદિરો ક્યારે ખૂલશે?
જિલ્લાના જાણીતા મંદિરોમાં આજથી રૂપાલ વરદાયીની માતા મંદિર, ગિયોડ અંબાજી મંદિર, સેક્ટર-22નું પંચદેવ મંદિર આજથી ભક્તો માટે ખુલી જશે. ડભોડામાં આવેલા હનુમાન દાદાનું મંદિર આવતીકાલથી ભક્તો માટે ખુલશે. તો પ્રસિદ્ધ અક્ષરધામ હાલ શરૂ કરવાની કોઈ વિચારણા ન હોવાનું જાણવા મળ્યું છે. મહુડી જૈન મંદિર બુધવારથી જ ભક્તો માટે શરૂ થઈ ગયું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x