કોરોના માં બંધ ટ્યુશન કલાસીસ ખોલવા માગ, ક્લાસીસ સંચાલકોએ વિરોધ કરી આવેદનપત્ર આપ્યું
Ahmedabad:
રાજ્યમાં છેલ્લા 15 મહિનાથી કોચિંગ કલાસ અને ટ્યુશન કલાસીસ (Tuition Classes) બંધ છે. કોરોનાની બીજી વેવ બાદ અનલોકની શરૂઆત કરવામાં આવી છે. હોટલ, રેસ્ટોરન્ટ અને જીમ ફરીથી શરૂ કરવામાં આવ્યા છે, પરંતુ 15 મહિનાથી બંધ કોચિંગ કલાસ અને ટ્યુશન કલાસ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી નથી ત્યારે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો.
કોરોનાના કેસો ઘટતા કોચિંગ કલાસ અને ટ્યુશન કલાસીસ ખોલવાની માંગ સાથે કલાસીસ સંચાલકોએ વિરોધ કર્યો હતો. કલાસીસ સંચાલકોએ કલેક્ટર કચેરી ખાતે વિરોધ કરી કલાસીસ ખોલવાની મંજૂરી આપવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
કલાસીસ સંચાલકોની માંગ છે કે 50 ટકાની ક્ષમતા સાથે કલાસીસ ખોલવામાં આવે. રાજ્યમાં અંદાજે એક લાખથી વધારે કોચિંગ અને ટ્યુશન કલાસીસ આવેલા છે. કલાસીસ સાથે સંકળાયેલા 15 લાખ પરિવારો છે. ક્લાસીસ 15 મહિનાથી બંધ હોવાને કારણે કલાસીસ પર નભતા શિક્ષકોની હાલત કફોડી બની છે.
ભાડાના મકાનમાં ચાલતા કલાસીસ સંચાલકોને ભાડા ભરવાના અને હપ્તાઓ ભરવાના ફાંફા પડી રહ્યા છે ત્યારે કલાસીસ સંચાલકોની માંગ છે કે સરકાર કલાસીસ ખોલવાની મંજૂરી આપવાની સાથે 15 મહિનાનો પ્રોપર્ટી ટેક્સ માફ કરવામાં આવે તથા લાઈટ બીલમાં રાહત આપી કલાસીસ સંચાલકોને આર્થિક રાહત પેકેજ આપવાની માંગ કરી છે.
ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનના પ્રમુખ હેમાંગ રાવલે જણાવ્યું હતું કે સમગ્ર ભારત અનલોક છે તો ક્લાસિસને કેમ તાળાં છે. તમામ વેપાર ધંધા, મંદિરો, જીમ, સ્વિમિંગ પુલ, હોટલ અને રેસ્ટોરન્ટ ખુલી ગયા છે તો કલાસીસ કેમ બંધ છે. સરકારને આ બાબતે અનેક વખત રજુઆત કરી છે પરંતુ સરકાર કલાસીસ સંચાલકોનું સાંભળતી નથી.
ક્લાસિસમાં માત્ર 10-20 વિદ્યાર્થીઓ હોય છે જેથી સોસીયલ ડિસ્ટન્સ જાળવવું શક્ય છે. ક્લાસિસમાં અલગ અલગ વર્ગ અને અલગ અલગ સમય હોય છે જેથી સરકારના નિયમોનું ચુસ્ત પાલન થઈ શકે છે. કલાસીસમાં વિદ્યાર્થીઓ વધારે સારું શીખવા અને ટ્રેનિંગ લેવા આવે છે. ઓનલાઇન વર્ગમાં કેટલીક મર્યાદાઓ હોવાથી વિદ્યાર્થીઓ પૂરે પુરી શીખી શકતા નથી. આગામી સમયમાં JEE, NEET સહિતની પરીક્ષાઓ યોજાવાની છે ત્યારે વિદ્યાર્થીઓ સારી તૈયારી કરી શકે તે માટે કોચિંગ કલાસ અને ટ્યુશન ક્લાસિસને ખોલવામાં આવે.