આંતરરાષ્ટ્રીય

ઇઝરાયેલે પેલેસ્ટાઇનના ગાઝાપટ્ટીના દક્ષિણ ક્ષેત્રના ખાન યુનિસ પર એરસ્ટ્રાઈક કરી

ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચેનું યુદ્ધવિરામ 26 દિવસ બાદ તૂટી ગયું. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF)એ બુધવારે પેલેસ્ટાઇનના ગાઝાપટ્ટીના દક્ષિણ ક્ષેત્ર ખાન યુનિસ પર એરસ્ટ્રાઈક કરી હતી. IDFએ એક નિવેદન બહાર પાડ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે દક્ષિણ ઇઝરાયેલ પર વિસ્ફોટકથી ભરેલા ફુગ્ગાઓ ગાઝા તરફથી છોડવામાં આવી રહ્યા છે. એના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.

ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે 11 દિવસના યુદ્ધ બાદ 21 મેના રોજ ઇજિપ્તની મદદથી યુદ્ધવિરામ થયું હતું. આ એરસ્ટ્રાઈક સાથે ઇઝરાયેલના નવા વડાપ્રધાન નેફ્ટાલી બેનેટે સંદેશ આપ્યો છે કે પેલેસ્ટાઇન પ્રત્યેની તેમની નીતિ કડક બની રહી છે.

અમે કોઈપણ પ્રકારના હુમલા માટે તૈયાર છીએ: IDF
ઇઝરાયેલી ફોર્સે કતારના મીડિયા હાઉસ અલ જઝીરાને કહ્યું છે કે તેમણે હમાસ (ઇઝરાયેલ તેને આતંકવાદી સંગઠન ગણાવે છે)નાં ઠેકાણાંઓ પર હુમલો કર્યો છે અને તેઓ કોઈપણ પ્રકારના હુમલો માટે તૈયાર છે. આ અગાઉ મે મહિનામાં 11 દિવસના યુદ્ધમાં પેલેસ્ટાઇનના 253 લોકો માર્યા ગયા હતા. એમાં 66 બાળકો પણ સામેલ હતા. હમાસના હુમલામાં ઇઝરાયેલના 13 લોકો પણ માર્યા ગયા હતા.

ફ્લેગ માર્ચ દ્વારા તણાવની સ્થિતિ
આ અગાઉ મંગળવારે ઇઝરાયેલની દક્ષિણપંથીઓએ ફ્લેગ માર્ચ યોજી હતી, જેને કારણે ત્યાં તણાવની પરિસ્થિતિ ઊભી થઈ હતી. આ પહેલાં આ પ્રદર્શન 10 જૂને યોજવામાં આવ્યું હતું, પરંતુ તણાવની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેની તારીખ આગળ વધારવામાં આવી હતી. પ્રદર્શન પહેલાં હમાસે જાહેરાત કરી હતી કે જો જેરુસલેમ પ્રદર્શન કરવામાં આવ્યું તો તે અલ-અક્સા મસ્જિદની સુરક્ષા માટે રોકેટ હુમલો કરશે.

કેમ યોજવામાં આવી જેરુસલેમ ફ્લેગ માર્ચ?
આરબ દેશો સાથે 1967માં છ દિવસ સુધી ચાલેલા યુદ્ધમાં ઇઝરાયેલ જીત્યું હતું. આ પછી પૂર્વ જેરૂસલેમ પર ઇઝરાયેલ દ્વારા કબજો કરવામાં આવ્યો હતો. કટ્ટર યહૂદીઓ દર વર્ષે આ જીતની યાદમાં ફ્લેગ માર્ચ કરે છે. જેરુસલેમ આ ફ્લેગ માર્ચ પરંપરાગત રીતે યેરુસલેમ દિવસ એટલે કે યહૂદી કેલેન્ડર મુજબ 28 યર (યહૂદી મહિનો)એ મનાવવામાં આવે છે.

ઇઝરાયેલમાં 8 પાર્ટીઓની ગઠબંધનની સરકાર
રવિવારે ઈઝરાયેલમાં 8 પાર્ટીઓની ગઠબંધનવાળી સરકાર બની છે. નેફ્ટાલી બેનેટે વડાપ્રધાનપદના શપથ લીધા હતા. બેનેટને કટ્ટરપંથી યહૂદીઓ તરીકેને ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તેઓ કેટલીક મોટી ટેક કંપનીઓના માલિક પણ છે. બે વર્ષ ચીફ ઓફ સ્ટાફ પણ રહ્યા છે. એને સંયોગ કહીએ કે કંઇ બીજું કે બેનેટ તે જ બેન્જામિન નેતન્યાહુને ખુરશી પરથી હટાવીને વડાપ્રધાન બન્યા છે, જેમને તેના રાજકીય ગુરુ માનવામાં આવે છે. નેતન્યાહુને ખુરસી ગુમાવવી પડી અને અને એ પણ માત્ર એક જ સાંસદની કમીને કારણે.

પોતે કટ્ટરપંથી, પણ ગઠબંધનમાં યોગ્ય પ્રકારની પાર્ટીઓ
બેનેટ મોટે ભાગે યહૂદી ટોપી (કિપ્પા) પહેરીને રહે છે. તેઓ પેલેસ્ટાઇનનું અસ્તિત્વ જ માનતા નથી. તેમનું કહેવું છે કે આ ક્ષેત્રમાં ફક્ત ઇઝરાયેલ છે, પરંતુ રવિવારે બહુમતી દરમિયાન સાબિત કરવા દરમિયાન તેમના સૂર બદલાયેલા હોય એવું લાગ્યું. આ ગઠબંધનમાં રામ પાર્ટીનું નામ આશ્ચર્ય પમાડે છે. તે આરબ-મુસ્લિમોની પાર્ટી છે. મન્સૂર અબ્બાસ તેના નેતા છે. આ સિવાય ડાબેરીઓ અને કેન્દ્રીય વિચારધારાના પક્ષો પણ ગઠબંધનનો ભાગ છે. બેનેટ હવે આરબ ઇઝરાયેલી મુસ્લિમોના વિકાસ અને શિક્ષણની સુધારણા વિશે વાત કરી રહ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x