ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસનું ક્રોસ વોટિંગ: BJP ની સંખ્યા કરતા ૧૧ મત વધુ મળ્યા

July 20, 2017

ગાંધીનગર:

દેશના પ્રથમ નાગરિક એવા રાષ્ટ્રપતિ પદની ચૂંટણી બાદ આજે હાથ ધરાયેલી મતગણતરીમાં NDA ના ઉમેદવાર રામનાથ કોવિંદ વિજયી બન્યા છે. ત્યારે ગુજરાતમાં BJP ના કુલ ૧૨૧ મતની સામે રામનાથ કોવિંદને ૧૩૨ મત મળ્યા છે. જેના કારણે એક વાત સ્પષ્ટ થઈ છે કે ગુજરાત કોંગ્રેસમાં નવથી ૧૧ મતનું ક્રોસ વોટિંગ થયું હોવાનું બહાર આવ્યું છે. જેના કારણે કોંગ્રેસમાં રહેલો અસંતોષ બહાર આવ્યો હોવાનું મનાય રહ્યું છે. આ સભ્યો કોણ છે તે કોંગ્રેસને શોધવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ દેશના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં BJP ના નેતૃત્વવાળા NDA ગઠબંધનના ઉમેદવાર તરીકે રામનાથ કોવિંદ હતા. જયારે કોંગ્રેસના નેતૃત્વવાળા UPA ગઠબંધન તરફથી લોકસભાના પૂર્વ સ્પીકર મીરાં કુમાર હતા. રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે તા. ૧૭મી જુલાઈને સોમવારે મતદાન થયું હતું. જેના અંતર્ગત ગુજરાત વિધાનસભાના કુલ ૧૮૨ મતદારો હતા. જેના મતોનું મૂલ્ય ૨૬,૭૫૪ હતું, જેમાંથી જેડીયુના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ મતદાન કર્યું ન હતું, જેથી તેમના મતનું મૂલ્ય ૧૪૭ બાદ કરીએ તો ૨૬,૬૦૭ હતું.

ગુજરાતના ધારાસભ્યોના મતદાન સમયે કુલ ૧૮૨ ધારાસભ્યો પૈકી ૧૮૧ ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. જેમાં ૧૨૧ ધારાસભ્યો બીજેપીના, ૫૭ ધારાસભ્યો કોંગ્રેસના, બે એનસીપીના, એક જીપીપીના ધારાસભ્યે મતદાન કર્યું હતું.

આજે જાહેર થયેલા પરિણામ મુજબ NDA ના રામનાથ કોવિંદને ૧૩૧ ધારાસભ્યોના (૧૯,૪૦૪) મતો મળ્યા હતા. જયારે UPA ના મીરાં કુમારને ૪૯ ધારાસભ્યોના (૭,૨૦૩) મતો મળ્યા હોવાનું બહાર આવ્યું છે. જેના કારણે એવું માનવામાં આવી શકાય છે કે, રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં કોંગ્રેસના નવથી ૧૧ સભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાનું બહાર આવ્યું છે.

જો સ્પષ્ટ રીતે જોઈએ તો એનસીપીના બે ધારાસભ્યોએ UPA ના ઉમેદવારને મત આપ્યા હોય તો કોંગ્રેસના ૧૧ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે તેવું સાબિત થાય છે. જો બીજી રીતે જોઈએ કે એનસીપીના બે ધારાસભ્યોએ NDA ના ઉમેદવારને મત આપ્યા હોય તો પણ કોંગ્રેસના નવ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે.

આ ક્રોસ વોટિંગ કરનાર કોંગ્રેસના ધારાસભ્યોએ પાર્ટીના હાઈકમાન્ડ સામે પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હોય તેવું લાગી રહ્યું છે.
આ ક્રોસ વોટિંગ કરનારા ૧૧ ધારાસભ્યોમાંથી કોંગ્રેસના નવ છે કે તમામે તમામ કોંગ્રેસના ક્યાં ધારાસભ્યો છે? તેને કોંગ્રેસે શોધવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x