એક જ દિવસમાં કોરોના રસીના ૮૦ લાખ ડોઝ આપવામાં આવ્યા
નવી દિલ્હીઃ
કોરોના વાઇરસના દૈનિક કેસોમાં ઝડપથી ઘટાડો થવા લાગ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા માત્ર ૫૩ હજાર કેસો સામે આવ્યા હતા જે છેલ્લા ૮૮ દિવસમાં સૌથી ઓછા છે. જ્યારે કોરોનાના કુલ કેસોની સંખ્યા ૨,૯૯,૩૫,૨૨૧એ પહોંચી ગઇ છે જે ૪૮ કલાકમાં ત્રણ કરોડને પાર પહોંચી જવાની શક્યતાઓ છે. બીજી તરફ એક જ દિવસમાં કોરોના રસીના ૮૦ લાખ ડોઝ આપવામાં આવ્યા હતા. જે એક રેકોર્ડ પણ માનવામાં આવે છે તેમ સરકારે કહ્યું હતું.
કેન્દ્ર સરકારે કોરોના રસીકરણની નવી ગાઇડલાઇન જાહેર કર્યાના પહેલા જ દિવસે વિવિધ રાજ્યોમાં મળી રસીના કુલ ૮૦ લાખ ડોઝ આપવામાં આવ્યા હતા. અગાઉની ગાઇડલાઇનમાં માત્ર ૪૫ વર્ષથી વધુ વયનાને જ મફતમાં રસી આપવામાં આવતી હતી, જોકે બાદમાં ૧૮ વર્ષથી વધુ વયના દરેક વ્યક્તિને મફત રસી આપવાની જાહેરાત કરવામાં આવી હતી જેનો અમલ સોમવારથી કરી દેવામાં આવ્યો હતો. સોમવારે એટલે કે આ મફત રસીની જાહેરાતના પહેલા જ દિવસે દેશભરમાં રસીના ૮૦ લાખ ડોઝ આપવામાં આવ્યા હતા. એટલે કે મફત રસીની જાહેરાત થતા જ લોકોમાં રસી લેવાનો ઉત્સાહ પણ વધ્યો હતો.
છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૧૪૨૨ લોકોના મોત નિપજ્યા હતા અને કુલ મૃત્યુઆંક ૩.૮૮ લાખને પાર પહોંચી ગયો હતો. દૈનિક મૃત્યુઆંક છેલ્લા ૬૫ દિવસમાં સૌથી નીચો રહ્યો છે. દેશમાં એક્ટિવ કેસ ઘટીને હવે ૭ લાખે પહોંચી ગયા છે જે કુલ ઇંફેક્શન કેસોના ૨.૩૫ ટકા છે. બીજી તરફ રિકવરી રેટ વધીને ૯૬.૩૬ ટકાએ પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં કોરોના વાઇરસ રસીના ૨૮.૭ કરોડ ડોઝ આપી દેવામાં આવ્યા છે. તેલંગાણા, દિલ્હી બાદ કર્ણાટકમાં લોકડાઉનના નિયમો હળવા કરાયા છે. કર્ણાટકમાં ૧૭ જિલ્લાઓમાં હોટેલ, મેટ્રો, બસ સેવાઓ શરૃ કરી દેવામાં આવી છે.
સાથે જ જીમને પણ ખુલ્લા મુકી દેવામાં આવ્યા છે. કોરોનાના દૈનિક કેસો ઘટી રહ્યા છે, પોઝિવિટી રેટ ૧૪ દિવસથી પાંચ ટકાની નીચે આવી રહ્યો છે. જોકે તેમ છતા નિષ્ણાતો માની રહ્યા છે કે કોરોના વાઇરસની બીજી લહેરનો હજુ અંત નથી આવ્યો અને તે ઘણો દુર છે. દિલ્હીની શિવ નાદર યુનિ.ના પ્રોફેસર સુરેશ વીરપુએ જણાવ્યું હતું કે કોરોના વાઇરસના ડેલ્ટા વેરિઅંટ સામે આવવાથી કહી શકાય કે કોરોનાની બીજી લહેરનો અંત હજુ ઘણો દુર છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે કોરોના રસી સંપૂર્ણપણે સુરક્ષીત છે અને તેની કોઇ જ આડ અસર થઇ રહી હોવાના અહેવાલો સામે નથી આવ્યા, રસી અંગે અનેક પ્રકારના ભ્રમ ફેલાવાઇ રહ્યા છે પણ રસી સુરક્ષીત છે તેવી ખાતરી સરકારે આપી હતી.