રાજ્યમાં ચોમાસાનો વિધિવત્ પ્રારંભ:અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ
ગુજરાતમાં ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થતાંની સાથે જ સાર્વત્રિક વરસાદ પડ્યો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ નોંધાયો છે. હાલમાં અમદાવાદના પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં 125 તાલુકામાં સામાન્યથી ભારે વરસાદ વરસ્યો હતો, જેમા સૌથી વધુ 3.4 ઈંચ વરસાદ સુરતના ઉમરપાડા તાલુકામાં નોંધાયો છે. ત્યાર બાદ ભરૂચ, ભાવનગર, મહીસાગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિતના જિલ્લામાં 1થી 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા બે દિવસ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે.
સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરથી ગઈકાલે અમદાવાદ સહિત રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાંથી લઇને હળવો વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં વહેલી સવારથી વાદળિયું વાતાવરણ સર્જાયા બાદ બપોરના 12.30 કલાકની આસપાસ જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું, ત્યાર બાદ દિવસ દરમિયાન ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો.
અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 6.4 ડીગ્રી ગગડીને 31.3 ડીગ્રી અને લઘુતમ તાપમાન 2.3 ડીગ્રી ગગડીને 25.1 ડીગ્રી નોંધાયું હતું. સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરથી રાજ્યના ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ વચ્ચે ઝાપટાંથી લઇને હળવો વરસાદ પડ્યો હતો, જેને કારણે રાજ્યનાં મોટા ભાગનાં શહેરોનું તાપમાન 36 ડીગ્રીથી નીચે નોંધાયું હતું.
રાજ્યમાં સતત બીજા વર્ષે ચોમાસું સારું જવાના અણસાર હોય એમ એની શરૂઆતમાં જ સારો વરસાદ પડી રહ્યો છે. શુક્રવારે સવારે 8 વાગ્યાની સ્થિતિએ રાજ્યમાં અત્યારસુધીનો સરેરાશ 32.83 એમએમ વરસાદ પડ્યો છે, જે સરેરાશ 3.91 ટકા જેટલો થવા જાય છે. એકમાત્ર કચ્છ ઝોનમાં સામાન્ય વરસાદને બાદ કરતાં ઉત્તર ગુજરાત ઝોનમાં સરેરાશ 3.40 ટકા, મધ્યપૂર્વ ઝોનમાં 3.96 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 3.01 ટકા, જ્યારે દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 4.86 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.