ગુજરાત

Surat આપના કાર્યાલયમાં કથિત નશાની હાલતમાં પડેલો કાર્યકર નીકળ્યો ભાજપનો! જાણો પછી શું થયું

સુરતમાં નવી નિમાયેલી આમ આદમી પાર્ટી અને સત્તાપક્ષ ભાજપ વચ્ચે રોજેરોજ નવા વિવાદો સામે આવી રહ્યા છે. બંને પક્ષો એકબીજાના ટાંટિયા ખેંચવામાં કોઈ કચાશ બાકી રાખતા નથી. થોડા દિવસ પહેલા ભાજપના કોર્પોરેટર વ્રજેશ ઉનડકટ દ્વારા ફેસબુક પોસ્ટ મુકવામાં આવી હતી.

આ પોસ્ટમાં ગોપીપુરા વિસ્તારમાં આપના કાર્યાલય પર એક વ્યક્તિ સોફા પર પગ લાંબા કરીને નશાની હાલતમાં હોય તેમ સૂતો હતો. નશામાં સુતો હોય તેવું બતાવીને લખવામાં આવ્યું હતું કે આપ કાર્યાલય પર 6.45 પછીના દ્રશ્યો.

જોકે આ પોસ્ટ શેર થતાની સાથે જ અનેક કૉમેન્ટ પણ આવવા લાગી હતી. જેમાં યુઝર્સે લખ્યું હતું કે ગુજરાતમાં તો દારૂબંધી છે તો પછી આ ભાજપના રાજમાં કેવી રીતે આ શક્ય બને ? ઘણાએ આપના કાર્યકરો પર પણ સવાલો ઉઠાવ્યા હતા.

ત્યારે આ અંગે જ્યારે આપનો સંપર્ક કરાયો તો કોથળામાંથી બિલાડુ નીકળ્યું જેવી સ્થિતિ થઈ. ફોટામાં કથિત નશાની હાલતમાં પડેલો વ્યક્તિ બીજો કોઈ નહિ પણ ભાજપનો જ કાર્યકર નીકળ્યો. અને મળતી માહિતી પ્રમાણે ભાજપના જ કોર્પોરેટરના કહેવા પર તેણે આ ફોટો પડાવ્યો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

જોકે ભીંસ વધતા આ કાર્યકરે પોતાની ભૂલ સ્વીકારી હતી અને માફી માંગી લીધી હતી. આ કાર્યકરનું નામ હિમાંશુ મહેતા છે. જેણે સેન્ટ્રલ ઝોનના ગોપીપુરા ખાતે આવેલા આપના કાર્યાલય પર આવો ફોટો પડાવ્યો હતો. અને ભાજપના જ અન્ય સક્રિય કાર્યકરોએ આ ફોટો પાડીને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

આમ, હવે આ ફોટા પર દુધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે. ભાજપનો દાવ ભાજપને જ ભારે પડ્યો છે. અને હવે માફી માંગવાનો વારો આવ્યો છે. સુરતમાં આમ આદમી પાર્ટીના વધતા દબદબા બાદ રાજકારણના આવા હલકા પેંતરા જોવા મળી રહ્યા છે. પરંતુ જ્યારે આ પેંતરા ઉઘાડા પડી જાય છે ત્યારે શરમનો સામનો પણ કરવો પડતો હોય છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x