રાજયસભાની ચુંટણીમાં અહમદભાઈને અમિત શાહ કરતાં એક મત વધારે મળશે : Paresh Dhanani
7 August, 2017
ગુજરાતમાં ૮ ઓગસ્ટના રોજ યોજાનારી રાજયસભાની ચૂંટણી પૂર્વે બેંગલુરૂમાં રહેલા કોંગ્રેસના અમરેલીના ધારાસભ્ય Paresh Dhanani એ કોંગ્રેસના રાજયસભાના ઉમેદવાર અહમદ પટેલની જીત નિશ્ચિત હોવાનો મત વ્યક્ત કર્યો છે. પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે લોકશાહીની આ લડાઈમાં રાજયસભાની ચુંટણીમાં અહમદભાઈને અમિત શાહ કરતાં એક મત વધારે મળશે.
ઉલ્લેખનીય છે કે, રાજયસભાની ચુંટણી પૂર્વે ભાજપે સત્તાના દુરઉપયોગથી કોંગ્રેસના ધારાસભ્યોને લાલચ અને ધમકાવીને તોડવાની કોશિષ કરી રહ્યા હોવાની ફરિયાદ વચ્ચે તેમને ગુજરાત બહાર બેંગલુરૂમાં એક રિસોર્ટમાં લઈ જવામાં આવ્યા છે. જે રિસોર્ટ પર પણ બુધવારે આવકવેરા વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા. જેનો કોંગ્રેસે રાજ્યસભામાં પણ જબરજસ્ત વિરોધ કર્યો હતો.
રિસોર્ટમાં પાડવામાં આવેલી આઈ.ટી. રેડ સંદર્ભે સાંસદ અહમદ પટેલે પણ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં રાજયસભાની બેઠક જીતવા ભાજપ ગમે તે હદ સુધી જઈ શકે છે તેમજ રિસોર્ટ પર પાડેલી રેડ ભાજપની હતાશા અને નિરાશા પ્રદર્શિત કરે છે.સાંસદ અહમદ પટેલે જણાવ્યું હતું કે ભાજપ રાજય સરકાર અને તેની દરેક એજન્સીનો દુરઉપયોગ કરી રહી છે.
કર્ણાટકના ઉર્જા મંત્રી ડીકે શિવકુમારના ઘર અને તેમના રિસોર્ટ પર આવક વિભાગે બુધવારે સવારે દરોડા પાડવામાં આવ્યા હતા.બેંગલુરુના આ ઈગલટન રિસોર્ટમાં Gujarat Congress ના MLA રોકાયા છે.